
નવી દિલ્હીઃ છત્તીસગઢને 2026 સુધીમાં નકસલ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે તેમની સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શનિવારે સુકમાના જંગલમાં 16 નક્સલીને ઠાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીના પ્રવાસ પહેલા જ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારે 50 નકસલીએ આત્મસમર્પણ કર્યું હતું. જેમાંથી 14 પર 68 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
સીઆરપીએફના જણાવ્યા અનુસાર, નકસલીઓએ છત્તીસગઢ પોલીસ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ કરનારા 50 લોકોમાંથી 6 પર 8-8 લાખ રૂપિયા તથા અન્ય ત્રણ પર 5 – 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ ઉપરાંત અન્ય પાંચ નક્સલીઓ પર 1 – 1 લાખ રૂપિયાનું ઈનામ હતું.
આ પણ વાંચો: સરકાર અને સેનાએ નક્સલીઓની કમર ભાંગી, 25 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ…
જિલ્લા રિઝર્વ ગાર્ડ, બસ્તર ટાઈગર ફાઈટર્સ, એસટીએફ, સીઆરપીએફ અને કોબ્રાએ નક્સલીઓના આત્મસમર્પણમાં વિશેષ ભૂમિકા ભજવી હતી. નક્સલીઓને આંદોલન છોડીને મુખ્ય પ્રવાહમાં સામેલ થવા સરકારની નીતિ અનુસાર તેમનું પુનર્વસન કરવામાં આવશે. પીએમ મોદીના પ્રવાસના થોડા કલાકો પહેલા જ નકસલીઓએ આત્મસમર્પણ કર્યું હતું.
નકસલીઓએ અમાનવીય વિચારધારા, પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના વરિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા આદિવાસીઓના શોષણ તથા અંદરોઅંદર ચાલી રહેલા મતભેદોના કારણે આત્મસમર્પણ કર્યું હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે 2023માં છત્તીસગઢમાં ભાજપ સરકાર બની હતી. જે બાદ રાજ્યમાં નકસલ વિરોધી અભિયાનમાં તેજી આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 2026 સુધી રાજ્યને નકસલ મુક્ત કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.