Top Newsનેશનલ

હાઈ સ્પીડ રેલ કોરિડોરથી જોડાશે મુંબઈ સહિત 50 શહેરો, જાણો રેલવેનો વિસ્તૃત રિપોર્ટ

રુપિયા 16 લાખ કરોડના ખર્ચે તૈયાર થશે આધુનિક રેલ નેટવર્ક….

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટમાં 7 હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. આ હાઈ સ્પીડ રેલ કોરિડોર મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, વારાણસી સહિત 40થી 50 મોટા શહેરને જોડશે, જે ભારતીય અર્થતંત્ર માટે ગેમચેન્જર સાબિત થશે.

16 લાખ કરોડ રૂપિયાનો થશે ખર્ચ

બજેટમાં નાણા પ્રધાને હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે 16 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ વ્યક્ત કર્યો હતો. આ ટ્રેક પર 250થી 350 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે. સરકાર આ માટે સ્વદેશી વંદે ભારત હાઈ સ્પીડ પ્લેટફોર્મ અને જાપાની બુલેટ ટ્રેન ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

આ 7 રૂટ પર દોડશે હાઇ-સ્પીડ ટ્રેન

સરકારે દક્ષિણ અને ઉત્તર ભારતને જોડતા મહત્ત્વના રૂટ પસંદ કર્યા છે. આ સાત કોરિડોરમાં મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નઈ, ચેન્નઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલિગુડીનો સમાવેશ થાય છે.

મુંબઈથી પુણે માત્ર પોણો કલાકમાં

રેલવે પ્રધાને જણાવ્યું છે કે મુંબઈ અને પુણે વચ્ચેની ટ્રેન મુસાફરીનો સમય ઘટીને માત્ર 48 મિનિટ રહી જશે. તેવી જ રીતે, પુણે-હૈદરાબાદની મુસાફરીમાં અંદાજે 1 કલાક 55 મિનિટ લાગશે. હાલમાં નિર્માણાધીન અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોરને પુણે અને હૈદરાબાદ સુધી લંબાવવામાં આવશે, જે આગળ જતાં બેંગલુરુ અને ચેન્નઈ સુધી કનેક્ટિવિટી પૂરી પાડશે.

દિલ્હી-વારાણસી સુધીની મુસાફરીનો સમય ઘટીને 3 કલાક 50 મિનિટ થઈ જશે. જયારે બિહારની રાજધાની પટના થઈને વારાણસીથી સિલિગુડી (પશ્ચિમ બંગાળ) સુધી પહોંચવામાં અંદાજે 2 કલાક 55 મિનિટ લાગશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટથી ઉત્તર પ્રદેશ અને બિહાર થઈ પશ્ચિમ બંગાળ સુધી એક નવો ઇકોનોમિક કોરિડોર તૈયાર થશે.

ધાર્મિક પ્રવાસન સેક્ટરને થશે મોટો ફાયદો

દિલ્હી-વારાણસી કોરિડોરથી મથુરા, આગ્રા, અયોધ્યા અને પ્રયાગરાજ જેવા ધાર્મિક પ્રવાસન સેક્ટરને પણ મોટો ફાયદો થશે. દિલ્હી-હાવડા રૂટ પર ટ્રેનોનું ભારણ વધુ હોવાથી આ સ્પેશિયલ ડેડિકેટેડ કોરિડોર રાહત આપશે. વારાણસી-સિલિગુડી કોરિડોર ઉત્તર પૂર્વ ભારતના પ્રવેશદ્વાર સમાન સિલિગુડીને જોડશે.

હાઈ સ્પીડ રેલ કોરિડોરથી હવાઈ મુસાફરી અને માર્ગ પરિવહન પરનું દબાણ ઘટશે, જેનાથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. વ્યવસાય, પ્રવાસન અને સામાન્ય અવરજવરને વેગ મળશે. આ સ્ટેશનોની આસપાસ નવી સેટેલાઇટ ટાઉનશિપ વિકસિત થશે, જે લાખો રોજગારીની તકો ઊભી કરશે.

કેટલાક સેક્શન 2035 સુધીમાં કાર્યરત થવાની શક્યતા

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) એ સાતમાંથી છ કોરિડોરના ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ મંત્રાલયને સોંપી દીધા છે. મુંબઈ-અમદાવાદ પ્રોજેક્ટના અનુભવનો ઉપયોગ કરીને અન્ય પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ શરૂ કરવાની તૈયારી છે. કેટલાક સેક્શન 2035-2040 સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે.

દક્ષિણ ભારતમાં ચેન્નઈ, બેંગલુરુ અને હૈદરાબાદને જોડીને એક હાઈબ્રિડ ડાયમંડ કોરિડોર બનાવવામાં આવશે. ચીનના બીજિંગ અને શાંઘાઈ મોડેલની જેમ આ શહેરો બુલેટ ટ્રેનની ઝડપે કનેક્ટ થશે, જેનાથી આઈટી અને મેન્યુફેક્ચરિંગ હબ વચ્ચે વેપાર સરળ બનશે. રેલવે બજેટમાં 2.78 લાખ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે. આ રકમનો મોટો હિસ્સો હાઈ-સ્પીડ કોરિડોરના ડિઝાઇન, સર્વે અને જમીન સંપાદન માટે વાપરવામાં આવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button