Top Newsનેશનલ

5 આતંકીઓએ ભેગું કર્યું રૂ. ૨૬ લાખનું ફંડ, દેશના અન્ય શહેરોમાં પણ કરવાના હતા બ્લાસ્ટ; ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ કેસના મુખ્ય આરોપી મુઝમ્મિલ ગનીની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ગનીએ કબૂલ્યું છે કે પાંચ ડોક્ટરોએ મળીને દેશના અનેક શહેરોમાં એકસાથે મોટા આતંકી હુમલા કરવા માટે કુલ રૂ. ૨૬ લાખનું ફંડ એકઠું કર્યું હતું. આ આતંકી નેટવર્કે લગભગ બે વર્ષ સુધી વિસ્ફોટક સામગ્રી અને રિમોટ ટ્રિગર ડિવાઇસ ભેગા કરવામાં વિતાવ્યા હતા. તપાસમાં જણાયું છે કે આ નેટવર્ક ખૂબ જ સમજી વિચારીને યોજનામાં આગળ વધી રહ્યું હતું, જેમાં દરેક સભ્યને ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી હતી.

ફંડિંગ અંગે ગનીએ કબૂલાત કરી હતી કે તેણે પોતે રૂ. 5 લાખ આપ્યા હતા. અન્ય ડોકટરોમાં આદિલ અહમદ રાથરે રૂ. ૮ લાખ, તેના ભાઈ મુઝફ્ફર અહમદ રાથરે રૂ. ૬ લાખ, શાહીન શાહિદે રૂ. ૫ લાખ અને ડો. ઉમર-ઉન્નબી મોહમ્મદે રૂ. ૨ લાખનું યોગદાન આપ્યું હતું. આ સંપૂર્ણ રકમ ડો. ઉમરને સોંપવામાં આવી હતી, તેનાથી એ વાતનો સંકેત મળે છે કે હુમલાને અંજામ આપવાની મુખ્ય જવાબદારી તેની પાસે હતી. ગનીએ એ પણ કબૂલાત કરી હતી કે તેણે ગુરુગ્રામ અને નૂહથી લગભગ રૂ. ૩ લાખમાં ૨૬ ક્વિન્ટલ NPK ફર્ટિલાઇઝર ખરીદ્યું હતું.

આ NPK ફર્ટિલાઇઝરને ડો. ઉમર-ઉન્નબીની દેખરેખ હેઠળ વિસ્ફોટકોમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. ડો. ઉમરે જ રિમોટ ડેટોનેટર અને સર્કિટરીની વ્યવસ્થા કરી હતી. તપાસકર્તાઓ અનુસાર, એમોનિયમ નાઇટ્રેટ અને યુરિયા પણ મોટી માત્રામાં જમા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ માટે જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ૧૦ નવેમ્બરના રોજ લાલ કિલ્લાની બહાર હ્યુન્ડાઇ i20 કારમાં રાખેલા વિસ્ફોટકોને પણ ડો. ઉમરે જ ડેટોનેટ કર્યા હોવાનું માનવામાં આવે છે.

આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ ડોક્ટર મુઝમ્મિલ ગની, શાહીન શાહિદ અને આદિલ રાથરની ધરપકડ કરવામાં આવી છે. આદિલનો ભાઈ મુઝફ્ફર રાથર હાલ અફઘાનિસ્તાનમાં હોવાનું કહેવાય છે અને તેની પર પણ નેટવર્કમાં સામેલ હોવાની આશંકા છે. અલ-ફલાહ મેડિકલ કોલેજમાં ડો. ઉમર, ગની અને શાહિદ સાથે કામ કરનાર નિસાર ઉલ-હસનની પણ શોધખોળ ચાલુ છે. NIA અધિકારીએ જણાવ્યું કે જપ્ત કરાયેલી સામગ્રીની માત્રા સ્પષ્ટ કરે છે કે આ માત્ર એક હુમલાની નહીં, પરંતુ અનેક શહેરોમાં વિસ્ફોટો કરવાની યોજના હતી. હવે તપાસ એજન્સી સપ્લાયર્સની ઓળખ અને આરોપીઓએ તેમની પ્રોફેશનલ ઓળખનો દુરુપયોગ કર્યો છે કે કેમ, તે જાણવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આપણ વાંચો:  G20 સમિટમાં PM Modiનો ખાસ સંદેશ, ભારતીય મૂલ્યો દુનિયાને વિકાસ તરફ લઈ જશે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button