બેંગલુરુમાં ઈમારત ધરાશાયી થતા 5નાં મોત, હજુ ઘણા કાટમાળ હેઠળ દટાયેલા હોવાની શક્યતા
બેંગલુરુ: ગઈ કાલે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મોટી ઘટના બની હતી, બેંગલુરુમાં વરસેલા ભારે વરસાદ બાદ સાંજે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી (Bengaluru building collapse) થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતાં. બુધવારે સવારે મળેલી માહિતી મુજબ આ ઘટનામાં મૃત્યુઆંક વધીને પાંચ થયો હતો. કાટમાળને હટાવવા અને ફસાયેલા લોકોને બચાવવા માટે પ્રયાસો ચાલુ છે.
અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે અને 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, બચાવ કામગીરીમાં ડોગ સ્ક્વોડ પણ જોડાઈ છે. આ ઘટના મંગળવારે બપોરે બેંગલુરુના પૂર્વ ભાગમાં હોરામાવુ આગ્રા વિસ્તારમાં બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ પડી ત્યારે અંદર લગભગ 20 લોકો હતા.
પૂર્વ બેંગલુરુના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે જણાવ્યું કે 20થી વધુ લોકો બિલ્ડિંગના કાટમાળ નીચે ફસાયા છે. અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે. 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 4ને નોર્થ હોસ્પિટલમાં અને એકને હોસમત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઈમારત સાત માળની હતી. રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે મંગળવારે સાંજે અકસ્માત સ્થળની મુલાકાત લીધી અને કહ્યું કે બેંગલુરુમાં તમામ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ડીકે શિવકુમારે કહ્યું, “મને જણાવવામાં આવ્યું છે કે આ યોગ્ય પરવાનગી વગરનું ગેરકાયદે બાંધકામ છે. બિલ્ડર, કોન્ટ્રાક્ટર અને સંડોવાયેલા દરેક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મેં અધિકારીઓને શહેરમાં આવા બાંધકામોની ઓળખ કરવા અને તેને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે.”