લોકસભામાંથી વધુ ૪૯ સાંસદ સસ્પેન્ડ કરાયા
નવી દિલ્હી: ગૃહની કાર્યવાહી ખોરવવા બદલ લોકસભાના ૪૯ સભ્યોને મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ અગાઉ સોમવારે સંસદના ૭૮ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, કૉંગ્રેસના નેતા શશિ થરૂર, અને કાંતિ ચિદમ્બરમ, મનીશ તિવારી અને સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ સહિત કુલ ૪૯ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એનસીપીના સુપ્રિયા સૂલે, ડીએમકેના એસ. જગથરકથકન અને ડીએનવી સેન્થિલકુમાર, જનતા દળ (યુ)ના ગિરિધારી યાદવ, દાનિશ અલી અને આમ આદમી પાર્ટીના સુશીલકુમાર રિન્કુનો સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં સમાવેશ થાય છે.
સંસદ સભ્યોના સસ્પેન્સનનો ઠરાવ રજૂ કરતી વખતે સંસદીય બાબતોના પ્રધાન પ્રલ્હાદ જોશીએ કહ્યું કે આઇએનડીઆઇ જોડાણના સાંસદો ‘સંસદની સુરક્ષામાં ચૂક’ના મામલા પર ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની માગ કરી રહ્યા છે. ગૃહમાં પ્લેકાર્ડ નહીં લાવવા તેઓ સંમત થયા હતા. હારથી તેઓ દુ:ખી થયા છે. આથી આવા પગલાં ભરી રહ્યાં છે. આવી વર્તણૂક જો ચાલુ રહેશે તો તેઓ ગૃહમાં પાછા નહીં આવી શકશે. પ્લેકાર્ડ લાવીને તેઓ અધ્યક્ષનું ભારતના લોકોનું અપમાન કરી રહ્યાં છે.
ગયા ગુરુવારથી મંગળવાર સુધી બન્ને ગૃહમાંથી વિપક્ષના કુલ ૧૪૧ સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સભ્ય સંજયસિંહને ૨૪મી જુલાઇથી સસ્પેન્ડ કરાયા છે.