મંગળવારે વધુ ૪૯ સાંસદો બરતરફ: કૉંગ્રેસ કહે છે કે આ તો જુલમી ‘નમોક્રસી’
નવી દિલ્હી : નવી સંસદમાં બિહામણા ખરડાઓ અર્થપૂર્ણ ચર્ચા કર્યા વગર મંજૂર કરવા વિરોધ પક્ષના તમામ સંસદોને દૂર કરવાનું ચાલુ છે એવા દાવો કરતાં કૉંગ્રેસે આને જુલમી ‘નમોક્રેસી’ ગણાવી હતી.
કૉંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું હતું કે આ એટલા માટે કરાઈ રહ્યું છે જેથી ૧૩ ડિસેમ્બરે બે ઘૂસણખોરોને સંસદમાં પ્રવેશ કરવામાં મદદ કરનાર સંસદસભ્ય મુક્ત ફરી શકે.
મંગળવારે ગૃહની કાર્યવાહી ખોરવી નાખવા બદલ ૪૯ સંસદસભ્યોને સસ્પેન્ડ કરાયા બાદ વિરોધ પક્ષોએ આ પ્રહારો કર્યા હતા. અગાઉ સોમવારે વિરોધ પક્ષના ૭૮ સંસદસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. રમેશે એક્સ પર લખ્યું હતું કે આજે વધુ ૫૦ સંસદસભ્યોને સસ્પેન્ડ કરાયા. સસંદને વિપક્ષમુક્ત કરાઈ રહી છે જેથી બિહામણા ખરડા અર્થપૂર્ણ ચર્ચા વિના મજૂર થાય.
આજે સસ્પેન્ડ કરાયેલા સંસદસભ્યોમાં નેશનલ કોન્ફરન્સના ફારૂખ અબદુલ્લા, કૉંગ્રેસના નેતાઓ શશી થરૂર, મનીષ તીવારી અને કાર્તી ચિદંબરમ અને સમાજવાદી પાર્ટીનાં સાંસદ ડિમ્પલ યાદવનો સમાવેશ થાય છે.
ઈન્ડિયા બ્લોકના સંસદસભ્યો ૧૩ ડિસેમ્બરની સંસદની સુરક્ષાની ચૂક અંગે ગૃહપ્રધાન અમિત શાહ નિવેદન કરે એવી માગણી કરી રહ્યા છે.
લોકસભામાંથી સસ્પેન્ડ થનારા બીજા સાંસદોમાં એનસીપીનાં સુપ્રિયા સુળે, ડીએમકેના એસ. જગતરક્ષકન અને ડીએનવી સેન્થિલ કુમાર, જેડી (યુ)ના ગિરધારી યાદવ, બીએસપી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા દાનીશ અલી અને આપના સુશિલ કુમારનો સમાવેશ થાય છે.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સંસદસભ્યોના સસ્પેન્શનનો ઠરાવ રજૂ કરતાં કહ્યું હતું કે દેખાવ કરી રહેલા વિપક્ષી સભ્યો તાજેતરની વિધાનસભાના પરિણામથી હતાશ થયા છે. ઈન્ડિયા બ્લોકના સાંસદો ૧૩ ડિસેમ્બરની સંસદની સુરક્ષાની ચૂક અંગે ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની માગણી કરી રહ્યા છે. સંસદસભ્યો પોસ્ટરો ન લાવવા સંમત થયા હતા. વિધાનસભામાં મળેલી હારથી હતાશ થઈને તેઓ આવાં પગલાં ભરી રહ્યા છે. જો તેમનું આ જ વર્તન ચાલુ રહેશે તો ફરી વાર તેઓ સંસદમાં પાછા નહીં ફરે.
અત્યાર સુધી વિરોધ પક્ષના કુલ ૧૪૧ સાંસદ સસ્પેન્ડ થયા છે. (એજન્સી)