રાજ્યસભાના ૪૫ અને લોકસભાના ૩૩ સભ્ય સસ્પેન્ડ
નવી દિલ્હી: સોમવારે સંસદના શિયાળુસત્રના ૧૧મા દિવસે લોકસભા અને રાજ્યસભાના કુલ ૭૮ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ તમામ સભ્યો સંસદની સુરક્ષામાં ચૂકના મામલે ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની માંગ સાથે ગૃહમાં શોરબકોર કરી રહ્યા હતા. બપોરે લોકસભામાંના ૩૩ સભ્યને સસ્પેન્ડ કરાયા હતા, જ્યારે સાંજે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષના ૪૫ સભ્યને સસ્પેન્ડ કર્યા હતા. આ અગાઉ ૧૪મી ડિસેમ્બરે લોકસભાના ૧૩ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યસભામાંથી ટીએમસીના ડેરેક ઓ બ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શિયાળુસત્રમાં હજુ સુધી ૯૨ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી લોકસભાના ૪૬ અને રાજ્યસભાના ૪૬ સભ્યોનો સમાવેશ થાય છે.
વિરોધપક્ષના ૩૩ સભ્યને સોમવારે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્રીસ સભ્યને બાકીના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયા હતા જ્યારે ત્રણને વિશેષધિકાર સમિતિનો અહેવાલ મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા હતા. ડીએમકેના ૧૦, ત્રિણમૂલ કૉંગ્રેસના નવ, કૉંગ્રેસના આઠ અને ઈન્ડિયન યુનિયન ઓફ મુસ્લિમ લીગના એક જનતાદળ (યુ)ના એક રિવોલ્યૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (આરએસપી)ના એક સભ્યને શિયાળુ સત્રનો બાકીની મુદ્ત સુધી સસ્પેન્ડ કરાયા હતા. અધિકાર સમિતિનો અહેવાલ મળે ત્યાં સુધી કૉંગ્રેસના ત્રણ સભ્યને સસ્પેન્ડ કરાયા છે.
ગત સપ્તાહમાં ગૃહની કાર્યવાહી ખોરવી નાખવાના મામલામાં વિપક્ષના લોકસભામાંના ૧૩ અને રાજ્યસભામાંના એક સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સોમવારે કૉંગ્રેસના અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, કે સુરેશ, અમરસિંહ, રાજમોહન ઉન્નીથન, થિરુનાવુક્કરાસાર, મુરલીધરન, એન્ટોની, ટીએમસીના કલ્યાણ બેનર્જી, અપારુપા પોદ્દાર, પ્રસૂન બેનર્જી, સૌગતા રે. શતાબ્દી રે. પ્રોતિમા મંડલ, કે ઘોષ દસ્તીદાર, આસિતકુમાર માલ, સુનિલકુમાર મોન્ડલ સહિત કુલ ૩૩ સભ્યને સસ્પેન્ડ કરાયા હતા. સ્પીકરના યોડિયમ પર ચડીને સૂત્રોચ્ચાર કરનારા કૉંગ્રેસના ત્રણ સભ્ય કે જયકુમાર, વિજય વસંથ અને અબ્દુલ ખાલેકને વિશેષાધિકાંર સમિતિનો અહેવાલ આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા હતા.
અધ્યક્ષસ્થાને બિરાજેલ, ભાજપના સંસદસભ્ય રાજેન્દ્ર અગ્રવાલે વિપક્ષના ૩૩ સભ્યના નામ જાહેર કર્યા હતા. તે પછી ગૃહનું કામકાજ મોકૂફ રાખવામાં આવ્યા હતા. શિયાળુ સત્રમાં વિપક્ષના સભ્યો દ્વારા કામકાજ વારંવાર ખોરવવામાં આવ્યું છે.
૧૪મી ડિસેમ્બરે કૉંગ્રેસના નવ, સીપીઆઈ (એમ)ના બે, ડીએમકેના એક સીપીઆઈના એક નેતાને સસ્પેન્ડ કરાયા હતા.
કૉંગ્રેસના પ્રમુખ મલ્લિાકાર્જુન ખડગેએ સાંસદોના સસ્પેન્શનને લોકતંત્ર પર હુમલા તરીકે ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે “પહેલા ઘૂસણખોરોએ સંસદ પર હુમલો કર્યો. હવે મોદી સરકાર સંસદ અને લોકતંત્ર પર હુમલો કરી રહી છે નિરંકુશ મોદી સરકાર ૪૭ સંસદસભ્યોને સસ્પેન્ડ કરીને લોકશાહીના માપદંડોને કચરાટોપલીમાં ફેંકયા છે. ગૃહ પ્રધાન અમિત શાહ આ મુદ્દા પર સંસદના બંને ગૃહમાં નિવેદન આપવું જોઈએ અને આના પર ગૃહમાં ચર્ચા થવા જોઈએ.
લોકસભાનાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે “ગૃહમાં સૂત્રોચ્ચાર કરવો, પ્લેકાર્ડ લાવવા, વેલમાં ધસી જવું, પોડિયમ પાસે જવું વગેરે યોગ્ય વર્તણૂક નથી.