ટનલમાં ફસાયેલા ૪૧ જણને આજે ઉગારી લેવાશે
બચાવ કાર્ય: ઉત્તરકાશી જિલ્લામાં તૂટી પડેલી ટનલમાં છેલ્લા ૧૦ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકોને ઉગારી લેવા હાથ ધરવામાં આવેલી બચાવ કામગીરી દરમિયાન સિલ્કયારા ટનલની અંદર ચાલી રહેલું ડ્રિલિંગ કામ. બુધવારે ટનલમાં ૫૦ મીટર જેટલું એટલે કે ૮૭ ટકા કામ પૂરું થઈ ગયું હોવાને કારણે ટનલમાં ફસાયેલા ૪૧ લોકોને સુરક્ષિત ઉગારી લેવાની આશા વધી છે. (એજન્સી)
નવી દિલ્હી: ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલ (બોગદા)માં ફસાયેલા ૪૧ જણને ગુરુવારની સવાર સુધીમાં ઉગારી લેવાની આશા બુધવારે રાતે જન્મી હતી. તેઓમાંના અનેકની તબિયત સારી હોવાનું કહેવાય છે. તેઓને બુધવારે પાઇપ દ્વારા ભોજન પણ પૂરું પડાયું હતું. સિલ્ક્યારા ટનલમાં જ્યાં લોકો ફસાયા છે ત્યાં બુધવારે મોડી રાત સુધીમાં આડું ડ્રિલિંગ પચાસ મીટર સુધી એટલે કે ‘બ્લૉક’ થયેલા વિસ્તારના અંદાજે ૮૮ ટકા પૂરું થયું હતું. ફસાયેલા લોકોમાંના અમુકે પોતાના પરિવારના સભ્યોની સાથે વાતચીત પણ કરી હતી. તેઓને સારવાર માટે ઍરલિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઇ હતી.
ફસાયેલા લોકોને ખાદ્યસામગ્રી, દવા, કપડાં બુધવારે પૂરા પડાયા હતા. ઘટનાસ્થળે ડૉક્ટરો સાથે અનેક એમ્બ્યુલન્સ તૈયાર રખાઈ છે. તેઓને બચાવવા કુલ ૫૭ મીટરનું ડ્રિલિંગ કરવાનું છે. લક્ષ્યની નજીક પહોંચી રહેલા બચાવકર્તાઓએ કાટમાળ હેઠળથી પચાસ મીટર લાંબો પાઈપ નાખ્યો છે. છેલ્લાં ૧૦ દિવસથી ટનલમાં ફસાયેલા ૪૧ લોકો સુધી પહોંચવા હજુ વધુ સાત મીટર જેટલું ડ્રિલિંગ કરવાનું છે, એમ અધિકારીઓએ બુધવારે કહ્યું હતું.
ફસાયેલા લોકોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ તેમને યોગ્ય અને પૂરતી સારવાર મળી રહે તેની તકેદારી રાખવા વ્યાપક આરોગ્ય સેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
પીએમઓના ભૂતપૂર્વ સલાહકાર ભાષ્કર ખુલ્બેએ બુધવારે રાતે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે છેલ્લાં એક કલાકમાં છ મીટર જેટલું ડ્રિલિંગ કરવામાં આવ્યું છે અને અમને આશા છે કે વધુ બેથી ત્રણ કલાકમાં અમે લક્ષ્ય સુધી પહોંચી જઈશું.
બચાવ કામગીરી અંગે તેઓ પ્રસારમાધ્યમને સમયાંતરે માહિતી આપી રહ્યા હતા.
એનએચઆઈડીસીએલના મેનેજિંગ ડિરેક્ટર મહમૂદ અહમદે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે અગાઉ દિવસ દરમિયાન કાટમાળ હેઠળથી ૩૯ મીટરનું ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું અને ૮૦૦ મી.મી. વ્યાસ ધરાવતા ત્રણ પાઈપ નાખવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળ નજીક અનેક એમ્બ્યુલન્સ અને હૅલિકોપ્ટરો તૈયાર રાખવામાં આવ્યા હતા.
ખાદ્યસામગ્રીના વિતરણ માટે નાખવામાં આવેલી બીજી પાઈપલાઈન અસરકારક રીતે કામ કરી રહી છે અને એ મારફતે મોટા પ્રમાણમાં રોટલી, શાક, ખીચડી, દાળિયા, સંતરા, કેળા સહિતની ખાદ્યસામગ્રી ફસાયેલા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે, એમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
પાઈપલાઈન મારફતે ટી-શર્ટ, અન્ડરગાર્મેન્ટ્સ, ટૂથપેસ્ટ, સાબુ સહિતની અન્ય જીવન આવશ્યક વસ્તુઓ પણ પહોંચાડવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા વાયરલ કનેક્ટિવિટી સાથે વિકસાવવામાં આવેલી મોડિફાઈડ કમ્યુનિકેશન સિસ્ટમ મારફતે ફસાયેલા લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું.
બાવીસ મીટર ડ્રિલિંગ કર્યા બાદ કઠણ વસ્તુને કારણે અવરોધ ઊભો થતાં શુક્રવારે બપોરે ડ્રિલિંગનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું જે મંગળવારે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. (એજન્સી)
તમામ ટનલના ઓડિટનો આદેશ
ઉત્તરકાશી: નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પોતાની તમામ ટનલ પ્રોજેક્ટના ઓડિટનો આદેશ આપ્યો છે. બે ડઝનથી પણ વધારે ટનલનું કામ ચાલી રહ્યું છે, આ તમામ ટનલોનું ઓડિટ ટનલ બનાવવામાં નિષ્ણાત માનવામાં આવતી એજન્સીઓ પાસે કરાવવામાં આવશે. અહીંની ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરો માટે પાઈપ આશાનું કિરણ લઈને આવ્યો હતો. આ પાઈપ દ્વારા તેમને ખાવાપીવાની વસ્તુઓ ઉપરાંત ટૂથબ્રશથી માંડી ટુવાલ અને મોબાઈલ ચાર્જર જેવી વસ્તુઓ મોકલવામાં આવી હતી. ડૉક્ટરે ઉત્તર કાશીના સિલ્ક્યારામાં સુરંગની અંદર ૧૧ દિવસથી ફસાયેલા ૪૧ મજૂરો સાથે વાત કરી. તેઓની આરોગ્ય સંબંધી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી અને નવી ફૂડ પાઇપલાઇન દ્વારા દવાઓ મોકલી.