૪૧ મજૂરોએ હજી એક રાત રાહ જેવી પડશે
ઉત્તરકાશી: ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરીમાં અવરોધ આવતા કેટલાક કલાકો ડ્રિલિંગ બંધ રહ્યા બાદ ગુરુવારે ફરી કામગીરી શરૂ થઇ ગઇ હતી.
વડા પ્રધાન કાર્યાલયના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બે કે જેઓ સ્થળ પર હાજર હતા, તેઓએ જણાવ્યું હતું કે, કામદારોને બહાર કાઢવા માટે બનાવાઇ રહેલા માર્ગમાં લોખંડનો અવરોધ આવ્યો હતો, જેને ગુરુવારે સવારે દૂર કરવામાં આવ્યો હતો. ખુલ્લેએ પત્રકારોને જણાવ્યું હતું કે, કાટમાળમાં સ્ટીલના પાઇપના છ મીટરના સેક્શન નાખવામાં ૧૨ થી ૧૪ કલાકનો સમય લાગશે. રાજ્ય સરકારના નોડલ ઓફિસર નીલ નીરજ ખૈરવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે ૪૫ મીટરના ચિહ્ન પરના આંચકા પછી ડ્રિલિંગ ૧.૮ મીટર આગળ વધ્યું હતું. આખું ડ્રિલિંગ મશીન બહાર ખેંચીને ફરીથી ગોઠવવું પડ્યું હતું. અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ ડ્રિલ દ્વારા ૪૮ મીટર પોઇન્ટ સુધી પહોંચી જવાયું છે.
નોંધનીય છે કે ટનલમાં ફસાયેલા કામદારોને છ ઇંચ પહોળી ટ્યુબ દ્વારા ખોરાક, દવાઓ અને અન્ય જરૂરી ચીજ-વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. તેમજ આ ટ્યુબનો વાતચીત કરવા માટે પણ ઉપયોગ કરાઇ રહ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય પ્રધાન વી.કે. સિંહ અને એનડીઆરએફના મહાર્નિદેશક અતુલ કરવલ ગુરુવારે સિલ્ક્યારા ખાતે બચાવ પ્રયાસ કામગીરીની સમીક્ષા કરવા આવી પહોંચ્યા હતા. ફસાયેલા કામદારો સ્વસ્થ હોવાનું એનડીઆરએફના ડીજીએ જણાવ્યું હતું.