ઓડિશામાંથી 40,000 મહિલા ગુમ: રાહુલ ગાંધીનો દાવો, સરકાર પર આકરા પ્રહાર

ભુવનેશ્વર: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે ભુવનેશ્વરના બારમુંડા મેદાનમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. તેમના સંબોધન દરમિયાન તેમણે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ સૌથી મોટો ચોંકાવનારો દાવો કરતા કહ્યું હતું કે ઓડિશામાં 40,000 કરતા વધુ મહિલા ગાયબ થઇ ગઈ છે અને તેઓનો આજદિન સુધી કોઈ પત્તો નથી લાગ્યો. મહિલાઓ પર થતા અત્યાચારોથી સરકારને કોઈ લેવાદેવા નથી.
ઓડિશા સરકારનું એક જ કામ
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઓડિશા સરકારનું એક જ કામ છે કે રાજ્યના ગરીબ લોકોના હાથમાંથી ઓડિશાનું ધન ચોરવું. પહેલા બીજેડી (બીજુ જનતા દળ) સરકારે આ જ કર્યું અને હવે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સરકાર આ જ કરી રહી છે. એક તરફ ઓડિશાની ગરીબ જનતા, દલિત, આદિવાસી, પછાત વર્ગ, ખેડૂતો અને મજૂરો છે, અને બીજી તરફ 5-6 અબજોપતિ અને ભાજપ સરકાર છે. આ લડાઈ ચાલુ છે. ફક્ત કોંગ્રેસ કાર્યકર્તાઓ, ઓડિશાની જનતા સાથે મળીને, આ લડાઈ જીતી શકે છે, કોઈ બીજું નહીં.
બિહારની ચૂંટણી પણ ચોરવા માંગે છે સરકાર
કોંગ્રેસ સાંસદે બિહારમાં થનારી ચૂંટણીઓમાં ગેરરીતિના પ્રયાસોનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ સતત બંધારણ પર આક્રમણ કરી રહી છે. જે રીતે મહારાષ્ટ્રમાં ચૂંટણી ચોરવામાં આવી, તેવી જ રીતે બિહારમાં ચૂંટણી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી ચોરી કરવા માટે ચૂંટણી પંચે નવું ષડયંત્ર શરૂ કર્યું છે. ચૂંટણી પંચ ભાજપનું કામ કરી રહ્યું છે, પોતાનું કામ નથી કરી રહ્યું.
આપણ વાંચો: PM મોદીના વિદેશ પ્રવાસ પર ભગવંત માનનો કટાક્ષ: અમે પાકિસ્તાન ન જઈ શકીએ, પણ તેઓ ઉતરી શકે!
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા કહ્યું, “મહારાષ્ટ્રની લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે એક કરોડ નવા વોટર આવી ગયા, પરંતુ અત્યાર સુધી કોઈને ખબર નથી કે આ વોટર કોણ હતા અને ક્યાંથી આવ્યા. અમે ચૂંટણી પંચને ઘણી વાર કહ્યું કે – અમને વોટર લિસ્ટ આપો, વીડિયો આપો, પરંતુ ચૂંટણી પંચ નથી આપી રહ્યું. આ લોકો બિહારની ચૂંટણી પણ ચોરવા માંગે છે, પણ અમે આવું ક્યારેય નહીં થવા દઈએ. રાહુલ ગાંધીએ ઓડિશામાં પણ અદાણીને નિશાન બનાવતા કહ્યું હતું કે અદાણી ઓડિશા સરકાર ચલાવી રહી હોવાનો દાવો કર્યો હતો.