નેશનલ

મહારાષ્ટ્રના ૪૦ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર

મુંબઈ: અપૂરતા વરસાદને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ૪૦ તાલુકાને મંગળવારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા.

અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહતનાં યોગ્ય પગલાં લેવાનો રિલિફ ઍન્ડ રિહેબિલેશન ડિપાર્ટમેન્ટને આદેશ આપી દેવામાં આવ્યો છે. જોકે રાજ્ય સરકાર આ મામલે જલદી જ કેન્દ્ર સરકાર પાસે તાકીદે મદદની માગણી કરશે. રિલિફ ઍન્ડ રિહેબિલેશન ડિપાર્ટમેન્ટે પૂરી પાડેલી માહિતીને આધારે રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં રાજ્યના ૪૦ તાલુકાને દુકાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અપૂરતા વરસાદને કારણે રાજ્ય પ્રધાનમંડળે ખરીફ મોસમ દરમિયાન ૪૦ તાલુકામાં દુકાળની જાહેરાત કરી હતી.

દુકાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મામલે કેન્દ્ર સરકાર પાસે પણ તાકીદે જરૂરી મદદની માગણી કરવામાં આવી છે.

અસરગ્રસ્ત તાલુકાઓને યોગ્ય રાહત પૂરી પાડવા વહેલામાં વહેલી તકે નિર્ણય લેવાની મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રિલિફ ઍન્ડ રિહેબિલેશન ડિપાર્ટમેન્ટને સૂચના આપી દીધી છે, એમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રમાં આ વરસે ૧૩.૪ ટકા ઓછો વરસાદ પડ્યો હતો અને રવી પાકની વાવણીમાં પણ વિલંબ થયો છે.

અત્યાર સુધીમાં માત્ર ૧૨ ટકા જ વાવણી થઈ શકી હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)ના નિયમાનુસાર સરકારે કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતોને બે હેક્ટરને બદલે ત્રણ હેક્ટર સુધીની જમીન માટે સહાય પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.

આ વર્ષના જૂનથી ઑક્ટોબર દરમિયાન વધારે પડતા વરસાદ અને કુદરતી આફત જેવી ઘટનાઓને કારણે કૃષીક્ષેત્રને ભારે નુકસાન થયું છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button