જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનટ્રક અકસ્માતમાં 4 લોકોના મોત
શ્રીનગરઃ મંગળવારે વહેલી સવારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલનને કારણે એક ટ્રક ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેના પરિણામે તેમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોના મોત થયા હતા. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસ અઘિકારીએ જણાવ્યું હતું કે સવારે 5 વાગ્યાની આસપાસ રામબન જિલ્લાના શેર બીબી પાસે હાઇવે પર ભૂસ્ખલન થતાં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રક જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી, તે સમયે રસ્તા પર ભૂસ્ખલન થતા ટ્રક ઊંડી ખીણમાં પડી ગઇ હતી. સ્થાનિક લોકોએ અને પોલીસે તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને ટ્રકમાં ફસાયેલા ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા.
અધિકારીઓએ મૃતકોની ઓળખ કુલગામના ટ્રક ડ્રાઈવર મોહમ્મદ અફઝલ ગારુ (42), તેના ભાઈ અલ્તાફ ગારુ (36), અનંતનાગના ઈરફાન અહેમદ (33) અને તેના ભાઈ શૌકત અહેમદ (29) તરીકે કરી છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રકમાં સ્થાનિક ઉપયોગ માટે લઈ જવામાં આવતા છ જેટલા પશુઓ પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.