સ્પેસમાં ફસાયેલા 4 અવકાશયાત્રીઓ પરત ફર્યા, જાણો સુનિતા વિલિયમ્સ ક્યારે આવશે?
ઘણા મહિનાઓથી અવકાશમાં ફસાયેલા ચાર અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. પરંતુ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હજુ પરત ફરી નથી. બોઈંગના કેપ્સ્યુલમાં ખરાબી આવવાથી અને વાવાઝોડા મિલ્ટનના કારણે સ્પેસ સ્ટેશન પર લગભગ 8 મહિના પસાર કર્યા બાદ શુક્રવારે ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છોડ્યા બાદ સ્પેસ એક્સ કેપ્સ્યુલમાં પરત ફરેલા આ અવકાશયાત્રીઓ પેરાશૂટની મદદથી ફ્લોરિડાના દરિયાકાંઠે મેક્સિકોના અખાતમાં ઉતર્યા હતા. અવકાશમાંથી પાછા ફરેલા આ ત્રણ અમેરિકન અને એક રશિયન અવકાશયાત્રીઓ બે મહિના પહેલા પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ બોઇંગની નવી ‘સ્ટારલાઇનર સ્પેસ કેપ્સ્યુલ’માં સમસ્યાના કારણે પરત આવવામાં વિલંબ થયો હતો. આ પછી, દરિયાની ખરાબ સ્થિતિ અને હરિકેન મિલ્ટનને કારણે પરત આવવામાં બે અઠવાડિયાનો વિલંબ થયો હતો. સ્પેસ એક્સે માર્ચમાં નાસાના મેથ્યૂ ડોમિનિક, માઈકલ બેરેટ તથા જીનેટ એપ્સ અને રશિયાના એલેક્ઝાંટર ગ્રેબેંકિનને અવકાશમાં મોકલ્યા હતા.
સુનિતા વિલિયમ્સ હજુ પરત ફરી શકી નથી
ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અને ‘ટેસ્ટ પાઈલટ’ બૂચ વિલમોરનું મિશન આઠ દિવસથી વધીને આઠ મહિના થઈ ગયું છે. પરંતુ હજુ સુધી તે ઓપૃથ્વી પર પરત ફરી શક્યા નથી. સ્પેસએક્સે ચાર અઠવાડિયા પહેલા વધુ બે અવકાશયાત્રીઓ મોકલ્યા હતા. સ્પેસ સ્ટેશનમાં હવે સાત ક્રૂ સભ્યો છે, જેમાં ચાર અમેરિકન અને ત્રણ રશિયન અવકાશયાત્રીઓ છે. સુનિતા વિલિયમ્સ પણ સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં ખામીને કારણે હજુ સુધી પરત ફરી શક્યા નથી. તેના પરત ફરવાની કોઈ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.