૩૨ વર્ષે ભારતનો દ. આફ્રિકાના ન્યુલેન્ડ્સમાં પ્રથમ વિજય | મુંબઈ સમાચાર

૩૨ વર્ષે ભારતનો દ. આફ્રિકાના ન્યુલેન્ડ્સમાં પ્રથમ વિજય

કેપ ટાઉનમાં ટેસ્ટ જીતનારો પ્રથમ એશિયન દેશ

કેપ ટાઉન : સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં ન્યુ લૅન્ડ્સના ગ્રાઉન્ડ પર ભારતે પહેલી વાર ટેસ્ટ જીતવામાં સફળતા મેળવી હતી. એટલું જ નહીં, આ સ્થળે ટેસ્ટ જીતનારો ભારત પ્રથમ એશિયન દેશ પણ બન્યો છે.
દોઢ દિવસમાં કુલ મળીને માત્ર સાડાચાર સત્ર થયા જેમાં કુલ મળીને ૬૪૨ બૉલમાં મૅચનું રિઝલ્ટ આવી ગયું અને એ રીતે આ ટેસ્ટ-જગતની સૌથી ટૂંકી ટેસ્ટ બની હતી અને એ સાથે ૯૨ વર્ષનો વિશ્ર્વવિક્રમ તૂટ્યો હતો.
આખી મૅચમાં કુલ ૩૩ વિકેટ પડી જેમાંથી ૩૨ વિકેટ પેસ બોલર્સે લીધી અને એક બૅટર રનઆઉટ થયો હતો. પહેલા
દાવમાં છ વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને મૅન ઑફ ધ
મૅચનો અને બીજા દાવમાં છ લેવાની સાથે શ્રેણીમાં કુલ ૧૨ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર
અપાયો હતો.
બુધવારે પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાને પંચાવન રનમાં આઉટ કરીને ભારતે ૧૫૩ રન બનાવવાની સાથે ૯૮ રનની લીડ લીધી હતી. બીજા દિવસે યજમાન ટીમ ૧૭૬ રનમાં તંબુ ભેગી થતાં ભારતને ફક્ત ૭૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે ત્રણ વિકેટના ભોગે ૮૦ રનના સ્કોર સાથે મેળવીને સિરીઝ ૧-૧થી સમકક્ષ કરી હતી.

Back to top button