તમિળનાડુમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૩૧નાં મોત: સીતારમણ
નવી દિલ્હી: ભારે વરસાદને કારણે તમિળનાડુના ચાર જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૩૧ જણનાં મોત થયાં હોવાનું કેન્દ્રનાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું હતું.
કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં ઉપયોગ કરી શકાય તે રીતે મદદ તરીકે બે હપ્તામાં રૂ. ૯૦૦ કરોડનું ભંડોળ છૂટું કર્યું છે, એમ તેમણે પ્રસારમાધ્યમને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે સ્થાનિક હવામાન ખાતા કેન્દ્ર પાસે ત્રણ ડાપસર સહિત અત્યાધુનિક છે અને ૧૨ ડિસેમ્બરે જ તેણે તેન્કાશી, ક્ધયાકુમારી, તિરુનેલવેલી અને ટૂટીકોરિન એમ ચાર જિલ્લામાં ૧૭ ડિસેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી કરી દીધી હતી.
તમિળનાડુ ભારે કુદરતી આફતનો સામનો કરી રહ્યું હતું ત્યારે મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન દિલ્હીમાં ઈન્ડિયા બ્લૉક સાથે હતા, એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન, સીતારમણે કહ્યું હતું કે એકવાર પૂરનાં પાણી ઓસરી જાય ત્યાર બાદ ઈન્સ્યોરન્સ ક્લેઈમના સમાધાન માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવશે.
વાવાઝોડાંનાં અસરગ્રસ્ત વિસ્તારમાં જનરલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા વીમાના ક્લેઈમનું સમાધાન ઝડપથી થઈ શકે તે માટે ચેન્નઈમાં વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)