ગણતંત્ર દિવસ પર 31 સીબીઆઇ અધિકારીઓને મળશે પોલીસ મેડલ
નવી દિલ્હીઃ ભારત 26 જાન્યુઆરી 2024 ના રોજ તેનો પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપતિ તરફથી મળનારા વિવિધ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સીબીઆઈના 31 પૂર્વ અને વર્તમાન અધિકારીઓને પણ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ અધિકારીઓમાં કોલસા, દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ અને નીરવ મોદી કેસ જેવા મોટા ભ્રષ્ટાચારના કેસની તપાસ કરનારા સીબીઆઇ અધિકારીઓ પણ સામેલ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
પોલીસ મેડલ મેળવનારા અધિકારીઓમાં સીબીઆઇના ભૂતપૂર્વ જોઇન્ટ ડિરેક્ટર અમિત કુમાર પણ સામેલ છે જેમણે કોલસા કૌભાંડની તપાસનું નેતૃત્વ કર્યું હતું. તેઓ હાલમાં છત્તીસગઢ પોલીસના એડીજી તરીકે સેવા આપી રહ્યા છે. તેમને વિશિષ્ટ સેવા માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.
સીબીઆઈમાં તેમના કાર્યકાળ દરમિયાન કુમારે જોઇન્ટ ડિરેક્ટર (નીતિ) સહિત ઘણા નિર્ણાયક હોદ્દાઓ સંભાળ્યા હતા. ઓનલાઈન બાળ જાતીય શોષણ, સાઇબર ક્રાઈમ અને આર્થિક છેતરપિંડી સામેની તપાસની દેખરેખમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ભરતપુર રમખાણોના કેસની પણ તપાસ કરી હતી અને અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ જી-20 એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપ (કોલકાતા, ઋષિકેશ અને બાલી)નો ભાગ હતા.
રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવનારા અન્ય અધિકારીઓમાં જોઇન્ટ ડિરેક્ટર વિદ્યા જયંત કુલકર્ણીનો સમાવેશ થાય છે, જેમણે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ.રાજા વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસની દેખરેખ રાખી હતી.