મહારાષ્ટ્રમાં બેટિંગ, ગેમિંગ પર ૨૮ ટકા જીએસટી
નાગપુર : ઓનલાઈન ગેમિંગ, બેટિંગ, કેસિનો, હોર્સ રેસિંગ અને લોટરીને ૨૮ ટકાની ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સની ઉચ્ચ શ્રેણીમાં લાવતો સુધારો ખરડો આજે મહારાષ્ટ્ર વિધાનસભાએ મંજૂર કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં ખાતાનો અખત્યાર સંભાળતા અજિત પવારે મહારાષ્ટ્ર ગૂડ્સ એન્ડ સર્વિસીસ એક્ટ, ૨૦૧૭માં સુધારો કરતો ખરડો રજૂ કર્યો હતો.
ગૃહમાં બોલતાં પવારે કહ્યું હતું કે ઓપરેટર અને સર્વિસ પ્રોવાઈડર ઓછા વેરો ભરવાના બહાનાં શોધતા હતા. ઓનલાઈન ગેમિંગ એ કૌશલની ગેમ નહીં, પરંતુ તકની ગેમ છે. આ માટે રચાયેલી
પેટાસમિતિએ ૨૮ ટકા વેરાની ભલામણ કરી હતી.
પવારે કહ્યું હતું કે જીએસટી કાઉન્સિલે આ સેવાને વેરાની જાળમાં લાવવાનો આ અગાઉ જ નિર્ણય લીધો છે અને આ બાબતમાં વધુ ખુલાસાની જરૂર છે.
અગાઉ ઓપરેટર અને સર્વિસ પ્રોવાઈડર ૧૮ ટકા વેરો આપતા હતા. મહારાષ્ટ્રના નાગપુરમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સાત ડિસેમ્બરના રોજ વિધાનસભામાં એક સુધારો બિલ રજૂ કર્યું હતું, જેમાં ઑનલાઇન ગેમિંગ, સટ્ટાબાજી, કેસિનો, હોર્સ રેસિંગ અને લોટરીને ૨૮ ટકા કેટેગરીના ગુડ્સ એન્ડ સર્વિસિસ (ૠજઝ) ટેક્સ હેઠળ લાવવાની જોગવાઈ વિશે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે સાત ડિસેમ્બરના રોજ નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે રાજ્યની વિધાનસભામાં રૂ. ૫૫,૫૨૦.૭૭ કરોડની પૂરક માંગણીઓ રજૂ કરી હતી.
મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ ૨૦૧૭માં સુધારો કરવાના બિલ પર રાજ્ય વિધાનસભાના ચાલુ શિયાળુ સત્રમાં ચર્ચા કરવામાં આવશે અને નીચલા ગૃહ દ્વારા પસાર થયા બાદ તેને મત અને મંજૂરી માટે વિધાન પરિષદમાં મોકલવામાં આવશે.
નાણાં વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સેવાઓનું કુલ ટર્નઓવર હજારો કરોડ રૂપિયા છે અને તેના પર ટેક્સ લાદવાથી રાજ્યને ચોક્કસપણે ફાયદો થશે. જો આ બિલ પસાર થયા બાદ એકવાર કાયદો બની જશે તો રાજ્યને આવકનો નવો સ્ત્રોત મળશે અને રાજ્યને કરોડોનો ફાયદો થશે.