નેશનલ

પંજાબમાં ૨૭ કિલો હેરોઇન જપ્ત

ચંદીગઢ: પંજાબ પોલીસ દ્વારા જુદા-જુદા બે ઓપરેશનમાં ૨૭ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિની ધરપકડ કરાઇ છે. જ્યારે બે આરોપી નાસી છૂટ્યા હતા. જેની શોધખોળ ચાલી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાઝિલકાના મોહર જમશેર ગામના રહેવાસી પ્રિતમ સિંહ નામના શખસની ૧૫ કિલો હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ માદક પદાર્થ ટ્રેક્ટર ટ્રોલીમાં લઇ જવાતા ઘઉંના ઢગલાની નીચે છુપાવવામાં આવ્યો હતો. પ્રિતમ સિંહ હેરોઇનના ક્ધસાઇનમેન્ટની ડિલિવરી કરવા જઇ રહ્યો હતો. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલ, ફાઝિલકા દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ સ્મગલર તેની પત્ની અને જમાઇ સાથે મુસાફરી કરી રહ્યો હતો. બન્નેની ઓળખ કુશલ્યા બાઇ અને ફાઝિલકાના ધની ખરસ વાલી ગામના ગુરમીત સિંહ તરીકે થઇ છે. જો કે બન્ને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બન્ને આરોપી વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. સેલ દ્વારા છેલ્લાં ૪૫ દિવસમાં ૧૪૭ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે.
અન્ય એક ઓપરેશનમાં જલંધર ગ્રામીણ પોલીસે ૧૨ કિલો હેરોઇન જપ્ત કર્યું છે. ક્રોસ બોર્ડર ડ્રગ હેરફેર નેટવર્ક વિરુદ્ધ ચાલી રહેલી ગુપ્તચર માહિતી આધારિત કાર્યવાહીમાં જલંધર ગ્રામીણ પોલીસે ૯ કિલો હેરોઇનની પ્રારંભિક જપ્તિ બાદ વધુ ૧૨ કિલો હેરોઇન જપ્ત કર્યું છે. છેલ્લા ૩ દિવસમાં કુલ ૨૧ કિલો હેરોઇન રિકવર કરવામાં આવ્યું છે, તેમ ડીજીપીએ એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગોરૈયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે અને વધુ જપ્તિની શક્યતા છે, તેમ પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button