પંજાબમાંથી 27 કિલો હેરોઈન જપ્ત, પોલીસ પ્રશાસન દોડતું
દોઢ મહિનામાં રાજ્યમાંથી 147 કિલો હેરોઈન જપ્ત
ચંદીગઢઃ કેફી અને માદક દ્રવ્યોની હેરફેર કરવા મુદ્દે વગોવાઈ ગયેલા પંજાબમાં તાજેતરમાં 27 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા બે અલગ અલગ મોટા ઓપરેશનમાં 27 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. નાર્કોટિક્સ સેલ દ્વારા છેલ્લા 45 દિવસમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી 147 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. ગઈકાલની કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિની ધરપકડ કરાઇ છે, જ્યારે બે આરોપી ભાગી ગયા હતા. મોહર જમશેર ગામના રહેવાસી પ્રિતમ સિંહ નામના શખ્સની ૧૫ કિલો હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ માદક પદાર્થ ટ્રેક્ટર ટ્રોલીમાં લઇ જવાતા ઘઉંના ઢગલાની નીચે છૂપાવવામાં આવ્યો હતો. પ્રિતમ સિંહ હેરોઇનના કન્સાઇનમેન્ટની ડિલિવરી કરવા જઇ રહ્યો હતો ત્યારે રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ડ્રગ્સ સ્મગલર તેની પત્ની અને જમાઇ સાથે મુસાફરી કરી રહ્યો હતો. બન્નેની ઓળખ કુશલ્યા બાઇ અને ફાઝિલકાના ધની ખરસ વાલી ગામના ગુરમીત સિંહ તરીકે થઇ છે. જોકે બન્ને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બન્ને આરોપી વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.
અન્ય એક ઓપરેશનમાં જલંધર ગ્રામીણ પોલીસે ૧૨ કિલો હેરોઇન જપ્ત કર્યું છે. ક્રોસ બોર્ડર ડ્રગ હેરફેર નેટવર્ક વિરુદ્ધ ચાલી રહેલી ગુપ્તચર માહિતી આધારિત કાર્યવાહીમાં જલંધર ગ્રામીણ પોલીસે ૯ કિલો હેરોઇનની પ્રારંભિક જપ્તી બાદ વધુ ૧૨ કિલો હેરોઇન જપ્ત કર્યું છે. ગોરૈયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે અને વધુ જપ્તીની શક્યતા છે, તેમ પોલીસે જણાવ્યું હતું.