નેશનલ

આઝાદીના 76 વર્ષેય મહારાષ્ટ્રના 26 ગામડા કરી રહ્યા વીજળીની પ્રતિક્ષા

નંદુરબારઃ ભારતને સ્વતંત્રતા મળીને 76 વર્ષ થઈ ગયા, આપણે ચંદ્ર પર પણ પહોંચી ગયા અને દુનિયાભરમાંથી આ માટે ભારતની પ્રશંસા થઈ રહી હોય તો પણ આજે આપણે અહીં ભારતના એક રાજ્યમાં અંધકારમાં જીવી રહેલાં ગામડાઓ વિશે વાત કરીશું. ભારતની પ્રગતિમાં મહારાષ્ટ્રનો પણ મહત્ત્વનો ફાળો છે અને તેમ છતાં મહારાષ્ટ્રના 26 જેટલા ગામ આજે પણ અંધારામાં રહેવા માટે મજબૂર છે.

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નર્મદા કિનારે આવેલા 26 ગામડા સુધી વીજળી પહોંચી જ નથી અને અહીં સૌરઊર્જાની યોજનાનો લાભ આપવામાં આવ્યો છે પણ એ પણ નામ માટે જ… આવા શબ્દોમાં ગામવાસીઓ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. આ ગામડામાં વીજળી ન હોવાને કારણે ગામવાસીઓને ઘઉં પીસાવવા જેવા રોજિંદા કામોમાં પણ મુશ્કેલી પડી રહી છે. ધડગાવ તાલુકામાં નર્મદાના કિનારે આવેલા 26 ગામના પરિવારોને વીજળી મળી નથી.


વીજળી ન હોવાને કારણે ગામના લોકોની મૂળભૂત સુવિધાઓ સામે પ્રશ્ન ઉપસ્થિત થયા છે. આ સવાલો તરફ કોણ ધ્યાન આપશે એવો સવાલ ગામવાસીઓ કરી રહ્યા છે. વીજળી ન હોવાને કારણે વિદ્યાર્થીઓનું પણ શૈક્ષણિક નુકસાન થઈ રહ્યું છે અને તેમનું ભાવિ અંધકારમય થઈ ગયું છે. વીજ ન હોવાને કારણે ગૃહિણીઓ આજે પણ પારંપારિક પદ્ધતિથી જ રોટલી બનાવે છે અને જાતે ઘરમાં ઘઉં, બાજરો વગેરે દળે છે.


આ ગામમાં પહેલાંથી ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 123 છે પણ વીજ ન હોવાને કારણે તેઓ રાતના સમયે અભ્યાસ કરી શકતા નથી. આ ઉપરાંત જો ચક્કી પર લોટ પીસાવવા માટે 25 કિલોમીટર દૂર જવું પડે છે.
ઈલેક્ટ્રિસિટી ન હોવાને કારણે પાણીનું કનેક્શન પણ નથી. દોઢ કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે છે એ કારણ ગામના યુવકોને કોઈ છોકરી નથી આપતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button