ત્રીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 25.41% મતદાન, મતદાનમાં વધારો
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 94 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ ખાતે મતદાન કર્યું છે. ત્રીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 25.41 ટકા મતદાન થયું છે. જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો છે, તેમ તેમ મતદાનની ગતિ પણ વધી રહી છે સવારના 09:00 વાગ્યાની સરખામણીમાં હવે મતદાન થોડું ઝડપી બન્યું છે.
ગુજરાતમાં પોતાનો મત આપ્યા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે આજે લોકશાહીનો ઉત્સવ છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. ભારત આગળ વધી રહ્યું છે અને વધતું જ રહેશે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીની મતદાન ટકાવારી આ મુજબ છે
આસામ 27.34 % , બિહાર 24.42 % , છત્તીસગઢ 29.90 %, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ 24 69 %, ગોવા 30.94 % , ગુજરાત 24.35 %, કર્ણાટક 24.48 %, મધ્યપ્રદેશ 30.21 %, પશ્ચિમ બંગાળ 32.82 %, મહારાષ્ટ્ર 18.18 %, ઉત્તર પ્રદેશ 26.12 %
ત્રીજા તબક્કાના મતદાનની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ચૂંટણીની રાજનીતિ છોડવાની જાહેરાત કરી છે. વોટ આપ્યા બાદ તેમણે મીડિયાને જણાવ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે કારણ કે હું 77 વર્ષનો છું અને હવે નવા લોકોને તક આપવી જોઈએ. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ રાજગઢથી દિગ્વિજય સિંહને ઉમેદવાર બનાવ્યા છે.