નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનામાં જ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રૂ. 34,419 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ સાથે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં યોગદાન સપ્ટેમ્બરમાં વધીને રૂ. 24,509 કરોડની ઓલ ટાઈમની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. તે ઓગસ્ટમાં રૂપિયા 23,547 કરોડ સુધી પહોંચી ગયું હતું. જો કે સપ્ટેમ્બરમાં રોકાણ ઓગસ્ટની સરખામણીએ 10 ટકા ઓછું રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ બોડીએ જણાવ્યું હતું કે સેક્ટર આધારિત ફંડ્સ અને મોટી કંપનીઓના ફંડ્સમાં રોકાણમાં એક મોટા ઘટાડા સાથે માસિક ઘટાડો નોંધાયો છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ દર્શાવે છે કે સપ્ટેમ્બર 2024 એ ઇક્વિટી ફંડ્સમાં નેટ ફ્લોનો સતત 43મો મહિનો રહ્યો છે. AMFIના ચીફ એક્ઝિક્યુટિવ વેંકટ ચલસાનીએ જણાવ્યું હતું કે SIP દ્વારા રોકાણમાં વધારો દર્શાવે છે કે રોકાણકારો હવે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરીને તેમની સંપત્તિ વધારવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં રૂ. 1.08 લાખ કરોડનું રોકાણ જોવા મળ્યું હતું જ્યારે સપ્ટેમ્બરમાં રૂ. 71,114 કરોડનો ઉપાડ થયો હતો. બોન્ડ સ્કીમમાંથી થયેલા રૂ. 1.14 લાખ કરોડના જંગી ઉપાડને કારણે આ સ્થિતી સર્જાય હતી. આટલા મોટા ઉપાડ છતાં, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સંચાલન હેઠળની ચોખ્ખી સંપત્તિ ઓગસ્ટના અંતે રૂ. 66.7 લાખ કરોડની સરખામણીએ ગયા મહિને વધીને રૂ. 67 લાખ કરોડ થઈ હતી.
તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગયા મહિને ઇક્વિટી-કેન્દ્રિત યોજનાઓમાં રૂ. 34,419 કરોડનું રોકાણ કરવામાં આવ્યું, જે એપ્રિલ પછીના સૌથી નીચલા સ્તરે છે. ઓગસ્ટમાં રૂ. 38,239 કરોડ અને જુલાઈમાં રૂ. 37,113 કરોડની સરખામણીએ આ પ્રવાહ ઘણો ઓછો હતો. જૂન અને મે મહિનામાં ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણ અનુક્રમે રૂ. 40,608 કરોડ અને રૂ. 34,697 કરોડ હતું.
ઇક્વિટી સ્કીમમાં સેક્ટર આધારિત ફંડોએ સમીક્ષાધીન મહિનામાં રૂ. 13,255 કરોડના સૌથી વધુ ચોખ્ખા પ્રવાહ સાથે રોકાણકારોને ઘેલું લગાડ્યું હતું. જો કે ઓગષ્ટની સરખામણીમાં પ્રવાહ ઓછો હતો.
આ સિવાય મોટી કંપનીઓને લગતા ફંડ્સમાં પણ આ પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો છે. મોર્નિંગસ્ટાર રિસર્ચ ઈન્ડિયાના વિશ્લેષક અને રિસર્ચ મેનેજર મેલ્વિન સાંતારિતાએ જણાવ્યું હતું કે ઇન્ડેક્સ ફંડ કેટેગરી 13માં સૌથી વધુ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, જેણે કુલ રૂ. 3,656 કરોડ એકત્ર કર્યા છે. ત્યારબાદ સેક્ટર-આધારિત ફંડ્સ બીજા સ્થાને રહ્યા છે જેમાં ચાર નવી યોજનાઓ શરૂ કરવામાં આવી અને મહિના દરમિયાન રૂ. 7,842 એકત્ર કરવામાં આવ્યા.
Also Read –