નેશનલ

નાંદેડની સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત બાળક સહિત 24નાં મૃત્યુ

હાફકિન ઇન્સ્ટિટ્યૂટે ઔષધ ખરીદી બંધ કરતા સરકારી હૉસ્પિટલોમાં દવાની તીવ્ર અછત

નાંદેડ: થાણાની પાલિકા હૉસ્પિટલમાં એક જ દિવસમાં 18 જણનું મૃત્યુ થયું હતું એ દુર્ઘટનાની યાદ હજુ તાજી છે ત્યાં મહારાષ્ટ્રના નાંદેડમાંથી એવા જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. નાંદેડ સરકારી હૉસ્પિટલમાં છેલ્લા24 કલાકમાં 24 જણ મૃત્યુ પામ્યા છે. આંચકો આપનારી બાબત એ છે કે મૃતકોમાં 14 નવજાત બાળકોનો સમાવેશ છે. નાંદેડની આ દુર્ઘટનાને પગલે આરોગ્ય વ્યવસ્થાની કઢંગી હાલત ફરી સામે આવી છે.

હાફકિન ઈન્સ્ટિટ્યુટે ઔષધ ખરીદી બંધ કરી હોવાથી રાજ્યભરની સરકારી હૉસ્પિટલોમાં દવાની તીવ્ર અછત ઊભી થઈ છે. ગંભીર માંદગીમાં પટકાયેલા દર્દીઓને સમયસર દવા ન મળવાને કારણે જીવ ગુમાવવો પડી રહ્યો છે. થાણામાં એક રાતમાં 18 લોકોના મૃત્યુનું પ્રકરણ સામે આવ્યા બાદ રાજ્યભરમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. આ દુર્ઘટનાને હજી દોઢ મહિનો થયો નથી ત્યાં નાંદેડમાંથી એવી જ દુર્ઘટનાના અહેવાલ આવ્યા છે. છેલ્લા કલાકમાં 24 દર્દીઓના મૃત્યુ પ્રકરણે સરકારી હૉસ્પિટલના ડીન એસ. આર. વાકોડેએ હાથ ઊંચા કરી દીધા છે. મૃતકોમાં બહારથી આવેલા દર્દીઓની સંખ્યા વધારે હતી એવો દાવો કરી તેમણે આ પ્રકરણમાંથી હાથ ખંખેરવાની કોશિશ કરી હતી. આ દુર્ઘટનાને કારણે નાંદેડના રહેવાસીઓ હચમચી ગયા છે અને સમગ્ર પ્રકરણની તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.

અગાઉ થાણા મહાનગરપાલિકાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં એક રાતમાં 18 દર્દીના મૃત્યુ થયા હતા. હૉસ્પિટલમાં સાધન – સગવડનો અભાવ અને દર્દીઓની સંખ્યામાં અચાનક થયેલા વધારાનું કારણ મૃત્યુ માટે આપવામાં આવ્યું હોવાનો ખુલાસો સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button