40 લોકોને હજ યાત્રાએ મોકલવાને નામે 24 લાખની ઠગાઈ: પાંચ સામે ગુનો
યાત્રાળુઓને બોગસ ઍર ટિકિટ અને હોટેલ બુકિંગના બનાવટી દસ્તાવેજ પકડાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાહતના દરે હજની યાત્રા કરાવવાને બહાને 40 લોકો પાસેથી અંદાજે 24 લાખ રૂપિયા કથિત રીતે પડાવી ઠગાઈ કરવા પ્રકરણે પોલીસે પાંચ જણ સામે ગુનો નોંધ્યો હતો. આરોપીએ યાત્રાળુઓ પાસેથી રૂપિયા લીધા પછી તેમને બોગસ ઍર ટિકિટ અને હોટેલ બુકિંગના બનાવટી દસ્તાવેજ પકડાવ્યા હતા.
પશ્ર્ચિમ બંગાળના આસનસોલ ખાતે રહેતા કાપડના વેપારી વસીમ મુસ્તરે આ પ્રકરણે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પ્રાથમિક તપાસ બાદ ચેમ્બુર પોલીસે શનિવારે શાહબાઝ અલી, મોહમ્મદ સલીમ કુરેશી, સલમા કુરેશી, રશીદ કુરેશી અને સઈદા કુરેશી ઉર્ફે સબા સામે એફઆઈઆર નોંધ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદી કામ નિમિત્તે 15 માર્ચે ઝારખંડ ગયા હતા, જ્યાં તેમની ઓળખાણ હજ યાત્રા કરાવનારી વ્યક્તિ સાથે થઈ હતી. એ વ્યક્તિએ રાહતના દરે અને સારી સુવિધાઓ સાથે હજ યાત્રા માટે ચેમ્બુરમાં ટ્રાવેલ્સની ઑફિસ ધરાવતા મોહમ્મદ સલીમ કુરેશીને મળવાનું કહ્યું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે મુંબઈમાં આવીને ફરિયાદી કુરેશીને મળ્યા હતા. કુરેશીના કહેવાથી ફરિયાદી અને યાત્રાએ જવા ઇચ્છુક તેમના ગામના રહેવાસીઓએ કુરેશીના મૅનેજરના બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એ સિવાય કુરિયરથી 40 જણના પાસપોર્ટ પણ મોકલવામાં આવ્યા હતા.
થોડા દિવસ પછી કુરેશીએ 40 જણને વિમાનની ટિકિટ અને સઉદી અરેબિયાની થ્રી સ્ટાર હોટેલ બુકિંગના દસ્તાવેજ મોકલાવ્યા હતા. જોકે વિઝા બાબતે પૂછપરછ કરતાં આરોપીએ ઉડાઉ જવાબ આપ્યા હતા. શંકા જતાં ફરિયાદીએ તપાસ કરતાં વિમાનની ટિકિટ અને હોટેલ બુકિંગના દસ્તાવેજ બોગસ હોવાનું જણાયું હતું. વારંવાર પૂછપરછ કરતાં આરોપીએ પાસપોર્ટ પાછા આપ્યા હતા, પરંતુ રૂપિયા ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં આરોપીઓના મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ આવતા હોવાથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.