
રાયપુરઃ છત્તીસગઢના બીજાપુરમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણ થઈ હતી. જેમાં 18 નકસલીઓ ઠાર થયા હતા. કાંકેરમાં પણ જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર નક્સલી માર્યા ગયા હતા. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યા હતા. બે ઘટનામાં કુલ 22 નકસલી ઠાર થયા હતા.
બીજાપુરમાં દંતેવાડાની સરહદ પાસે ગંગાલુરમાં નક્સલી વિરોધી અભિયાન પર સંયુક્ત ટીમ નીકળી હતી. અભિયાન દરમિયાન સવારે 7 વાગ્યાથી નકસલીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું. અથડામણ દરમિયાન મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળા સાથે 18 નકસલીઓના મૃતદેહ મળી આવ્યા હતા. ડીઆરજીનો એક જવાન પણ શહીદ થયો હતો. હાલ સર્ચ ઓપરેશન શરૂ છે. કાંકેરમાં પણ 4 નકસલી ઠાર થયા હતા.
આ પણ વાંચો: છત્તીસગઢમાં 40 દિવસમાં 80 નકસલી ઠાર, રાજ્યને નકસલમુક્ત કરવા સરકાર સફળ?
આ પહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગત સપ્તાહે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 17 નક્સલીએ આત્મસમર્પણ કર્યું હતું. બીજાપુરના એસપીએ જણાવ્યું કે, આત્મસમર્પણ કરનારા તમામ પ્રતિબંધિત નકસલી વિવિધ વિસ્તારોમાં સક્રિય હતા.
નારાયણપુરમાં પણ વિસ્ફોટ
બીજી તરફ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં પણ નકસલી ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. નકસલીઓ દ્વારા સુરંગમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં એક અધિકારી સહિત બે સુરક્ષાકર્મીનો આબાદ બચાવ થયો હતો.