દેશમાં કોરોનાના જેએન-વનના ૨૨ કેસ
નવી દિલ્હી: દેશમાં ગુરુવાર સુધીમાં કોરોનાના જેએન-વન સબ વેરિયન્ટના બાવીસ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ શુક્રવારે કહ્યું હતું.
દેશમાં કોરોનાના જેએન-વન સબ વેરિયન્ટના નોંધાયેલા બાવીસ કેસમાંથી ૨૧ કેસ ગોવામાં તો એક કેસ કેરળમાં નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું.
જોકે આ તમામ દરદીઓ સાજા થઈ ગયા હોવાનું તેમણે કહ્યું હતું.
અસરગ્રસ્ત લોકોને શ્ર્વાસનળીના ઉપરના ભાગમાં હળવો ચેપ લાગ્યો હતો અને તેમનાંમાં હળવી ઉધરસ, ગળાનો ચેપ જેવાં લક્ષણો જોવાં મળ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
જેએન-વન વેરિયન્ટને શોધી કાઢવા નવેમ્બરમાં ૬૨ જેટલા નમૂના પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં ૨૫૩ નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
કેરળમાં કોરોનાના જેએન-વન વેરિયન્ટની અસરગ્રસ્ત ૭૯ વર્ષની મહિલા કોઈપણ પ્રકારનાં કોમ્પિલિકેશન વિના સાજી થઈ ગઈ હતી. આ મહિલામાં આઠ ડિસેમ્બરે કોરોનાનો જેએન-વન વેરિયન્ટ જોવા મળ્યો હતો.
દેશમાં જેએન-વન વેરિયન્ટના કેસ વધી રહ્યા હોવા છતાં ચિંતાનું કોઈ કારણ ન હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે અસરગ્રસ્તોમાંનાં ૯૨ ટકા લોકોને ઘરમાં જ સારવાર આપવામાં આવી હતી. (એજન્સી)