
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2,000ની નોટો બદલવાની મંજૂરી વધારી દીધી છે. મળતી માહિતી મુજબ હવે 7 ઓક્ટોબર સુધી 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. પહેલા આ તારીખ આજ સુધી એટલે કે 30 સપ્ટેમ્બર સુધી જ હતી. આરબીઆઈએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 96 ટકા નોટો બેંકમાં પાછી આવી છે. 7 ઓક્ટોબર પછી RBIની 19 શાખાઓમાં જ નોટો જમા થશે.
આ પહેલા એમ જણાવવામાં આવ્યું હતું કે જો 30 સપ્ટેમ્બર સુધી 2000 રૂપિયાની નોટ બદલવામાં નહીં આવે તો તેની કિંમત બીજા દિવસે એટલે કે 1 ઓક્ટોબરથી શૂન્ય થઈ જશે. જો કે, સૂત્રોએ માહિતી આપી હતી કે RBI નોટો બદલવાની સમયમર્યાદા થોડી લંબાવી શકે છે. હવે આરબીઆઈએ રૂ. 2000ની નોટ બદલવાની સમયમર્યાદા એક સપ્તાહ વધારી દીધી છે.
અગાઉ, આ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ એક સર્ક્યુલર જારી કરીને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવા માટે કહ્યું હતું. બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધી કુલ રૂ. 3.56 લાખ કરોડના મૂલ્યની રૂ. 2000ની નોટો ચલણમાં હતી. તેમાંથી 29 સપ્ટેમ્બર સુધી 3.42 લાખ કરોડ રૂપિયાની નોટો પરત આવી છે. હવે બજારમાં માત્ર રૂ. 0.14 લાખ કરોડની નોટો છે.
2000ની નોટ નવેમ્બર 2016માં માર્કેટમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમની જગ્યાએ નવી પેટર્નમાં રૂ.500 અને રૂ.2000ની નવી નોટો જારી કરવામાં આવી હતી. જો કે, આરબીઆઈએ વર્ષ 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે.