શૅરબજારના છ સત્રમાં ૨૦ લાખ કરોડનું ધોવાણ
નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારનો આખલો ઘાયલ થઇ ગયો છે અને મંદીવાળા હાવી થઇ ગયાં છે. ઓક્ટોબર સામાન્ય રીતે રોકાણકારો માટે સારો કહેવાય છે પરંતુ પાછલા છ જ સત્રમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના મૂલ્યમાં રૂપિયા વીસ લાખ કરોડથી વધુનું ધોવાણ થઇ ગયું છે. રિંછડાના ખૂંખાર હુમલાને કારણે આ મહિનામાં અત્યાર સુધીમાં સેન્સેક્સમાં ૨૬૦૦ પોઇન્ટ અને નિફ્ટીમાં એકાદ હજાર પોઇન્ટ જેવો તોતિંગ કડાકો નોંધાયો છે.
અમેરિકાની ટ્રેઝરી બિલના ઉછાળા સાથે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના લંબાતા દોરને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટને કારણે જોરદાર વેચવાલીનું ઘોડાપૂર ચાલુ રહેતા ઈક્વિટી બેન્ચમાર્ક નેગેટિવ ઝોનના તળિયે અથડાયા છે.
વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે વૈશ્ર્વિક બજારોના નકારાત્મક સંકેત ઉપરાંત સ્થાનિક ધોરણે ઓટોમોબાઇલ, ફાઇનાન્શિયલ અને એનર્જી શેરોમાં નોંધપાત્ર ધોવાણ થવાની સાથે બીજી તરફ વિદેશી રોકાણકારો દ્વારા નવેસરની વેચવાલીને કારણે બજારનું માનસ વધુ ખરડાયું હતું અને મંદીવાળા હાવી થઇ ગયા હતા.
ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર ચાર્ટમાં હજુ સારા અણસાર નથી. જોકે, માર્કેટ એક્સ્ટ્રિમ ઓવરસોલ્ડ પોઝિશનમાં છે તે જોતાં અમુક એનાલિસ્ટ એવી ધારણાં વ્યક્ત કરી રહ્યા છે કે એકાદ બે સત્રમાં રીલિફ રેલી આવી શકે છે. એકંદરે માર્કેટ એનાલિસ્ટ રોકાણકારોને હાલ તોફાની શેરબજારથી સહેજ અળગા રહેવાની સલાહ આપી રહ્યા છે.
ગુરુવારના સત્રમાં સેન્સેક્સ ૯૦૦.૯૧ પોઈન્ટ અથવા ૧.૪૧ ટકાના કડાકા સાથે ૬૪,૦૦૦ પોઇન્ટની સપાટી તોડતો ૬૩,૧૪૮.૧૫ પોઇન્ટના સ્તરે સ્થિર થયો હતો. દિવસ દરમિયાન આ બેન્ચમાર્ક ૯૫૬.૦૮ પોઈન્ટ અથવા ૧.૪૯ ટકા ઘટીને ૬૩,૦૯૨.૯૮ પોઇન્ટના સ્તરે આવી ગયો હતો.
જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૨૬૪.૯૦ પોઈન્ટ અથવા ૧.૩૯ ટકા ઘટીને ૧૮,૮૫૭.૨૫ પોઇન્ટની સપાટી પર આવી ગયો હતો. ૧૭ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં બીએસઇ બેન્ચમાર્ક ૩,૨૭૯.૯૪ પોઈન્ટ્સ અથવા ૪.૯૩ ટકા ગબડ્યો છે, જ્યારે નિફ્ટી ૯૫૪.૨૫ પોઈન્ટ્સ અથવા ૪.૮૧ ટકા તૂટ્યો છે.