દેશમાં 20 લાખ પોલીસમાંથી ઊંચા પદ પર બેસેલી મહિલાઓની સંખ્યા નહીવત્

નવી દિલ્હીઃ મહિલાઓના સશક્તિકરણની વાતો વચ્ચે ઘણી વાસ્તિવકતાઓ બહાર આવે છે, જે તમામ દાવાઓને પોકળ સાબિત કરે છે. આવો જ એક અહેવાલ આવ્યો છે જે જણાવે છે કે દેશમાં 20 લાખ પોલીસકર્મીમાંથી ઊંચા હોદ્દા પર બેસેલી મહિલા પોલીસકર્મીની સંખ્યા માત્ર 1000 કે તેના કરતા પણ ઓછી છે.
મંગળવારે ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (IJR) 2025ના રિપોર્ટમાં ચોંકાવનારી વાસ્તવિકતા બહાર આવી છે કે દેશભરના રાજ્ય પોલીસ દળોમાં 20 લાખ 30 હજાર પોલીસ અધિકારીઓમાંથી, સુપરિન્ટેન્ડેન્ટ અને ડાયરેક્ટર જનરલના વરિષ્ઠ હોદ્દામાં મહિલા પોલીસ અધિકારીઓની સંખ્યા એક હજાર પણ નથી. જોકે મહારાષ્ટ્ર બી પગથિયાં ઉપર ચડી દસમા ક્રમાંકે આવ્યું છે. જ્યારે ન્યાયતંત્ર, પોલીસ વ્યવસ્થા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય જેવા વિવિધ માપદંડોના આધારે કર્ણાટક અન્ય રાજ્યો કરતા આગળ છે.
દેશભરમાં કુલ ૨૦ લાખ ૩૦ હજાર પોલીસ અધિકારીઓમાંથી મહિલા પોલીસ અધિકારીઓની સંખ્યા ૨ લાખ ૪૨ હજાર ૮૩૫ છે. તેમાંથી પણ પોલીસ અધિક્ષક (પોલીસ સુપરિટેન્ડન્ટ) અને પોલીસ મહાનિર્દેશક (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) જેવા ઊંચા હોદ્દાઓ પર મહિલા અધિકારીઓની સંખ્યા માત્ર ૯૬૦ છે જ્યારે નોન-આઈપીએસ શ્રેણીમાં મહિલા પોલીસ અધિકારીઓની સંખ્યા ૨૪,૩૨૨ છે.
ટાટા ટ્રસ્ટ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ, કોમન કોઝ, કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ, દક્ષ, ટીઆઈએસ-પ્રયાસ, વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી અને હાઉ ઇન્ડિયા લિવ્સ સાથે સહયોગથી શરૂ કરવામાં આવી હતી. આ અહેવાલ નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મદન લોકુર અને IJRના મુખ્ય સંપાદક માયા દારૂવાલાની હાજરીમાં બહાર પાડવામાં આવ્યો હતો.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમા હાઇકોર્ટની ટિપ્પણી અંગે કડક વલણ અપનાવ્યું, સાવધ રહેવા તાકીદ
અહેવાલમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસ દળમાં મહિલાઓ માટે અનામત ક્વોટા અનુસાર પૂરેપુરી ભરતી થઈ નથી. જિલ્લા સ્તરના ન્યાયતંત્રમાં અનુસૂચિત જનજાતિનો હિસ્સો પાંચ ટકા છે, જ્યારે અનુસૂચિત જાતિનો હિસ્સો ૧૪ ટકા છે.