ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ભારતીય મૂળની 3 મહિલાઓના મોત
યુદ્ધમાં આતંકવાદીઓ સામે ટક્કર લીધી હતી
નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધના કારણે હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે ઘણા લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ભારત સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય મૂળની ત્રણ ઇઝરાયેલી મહિલા સુરક્ષા અધિકારીઓ આ યુદ્ધમાં મારી ગઇ છે.
તાજેતરમાં જ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પેલેસ્ટાઈનને ભારે કિંમત ચૂકવવી પડશે. બીજી તરફ અમેરિકા સહિત અન્ય ઘણા દેશોએ ઈઝરાયેલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ યુદ્ધે સમગ્ર વિશ્વને બે જૂથોમાં વહેંચી દીધું છે. એક જૂથ છે જે ઇઝરાયલને સમર્થન આપી રહ્યું છે, તો બીજી તરફ એક જૂથ છે જે પેલેસ્ટાઇનને સમર્થન આપી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ સમગ્ર મુદ્દાએ વૈશ્વિક સમુદાયમાં તણાવ વધારી દીધો છે.
ભારતીય મૂળની ત્રણ મહિલાઓ હમાસ સામેના યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામી છે. ત્રણેય ભારતીય મૂળના હોવા છતાં તેમના માતા-પિતા ઈઝરાયલમાં સ્થાયી થયા હોવાથી તેમને ઘણા વર્ષો પહેલા ઈઝરાયલની નાગરિકતા મળી હતી. એટલું જ નહીં, ત્રણેના પરિવારે યહુદી ધર્મ પણ સ્વીકાર્યો હતો. એક આંકડા અનુસાર, ભારતીય મૂળના લગભગ 18 હજાર યહૂદીઓ ઇઝરાયલમાં રહે છે, જેમને ત્યાં જન્મેલા યહૂદી પણ કહેવામાં આવે છે. જેનો અર્થ એ છે કે તે મૂળ કોઈ અન્ય ધર્મનો હતો, પરંતુ હવે તેણે યહુદી ધર્મ સ્વીકાર્યો છે. એવું કહેવાય છે કે કેરળ, મણિપુર અને મિઝોરમના મોટાભાગના લોકો ઇઝરાયલમાં અત્યાર સુધી યહુદી ધર્મ અપનાવી ચૂક્યા છે.
ઇઝરાયલમાં એક નિયમ છે, જે મુજબ ત્યાંના દરેક નાગરિકે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી સેનામાં ફરજ બજાવવી પડે છે. જો આમ કરવામાં ન આવે તો તે નાગરિક તે દેશમાંથી ઉપલબ્ધ તમામ સુવિધાઓથી વંચિત રહી જાય છે. સામાન્ય રીતે, ઇઝરાયલ આ બહાને પોતાના સૈનિકોને સ્વરક્ષણ માટે તૈયાર કરે છે, કારણ કે આ દેશ ચારે બાજુથી મુસ્લિમ દેશોથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં, તે વ્યૂહાત્મક મોરચે પણ ખૂબ જ સંવેદનશીલ સ્થિતિમાં છે.