
લખનઊઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લાં 24 કલાકમાં થયેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે હાલત ખરાબ છે. ઘણી જગ્યાએ ભારે પાણી ભરાયા છે. આ દરમિયાન ખરાબ સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 19 લોકોએ જીવ ગુમાવ્યા છે.
યુપીના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો છે અને ઓફિસોમાં પણ અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં રાજ્યની જનતા આ સમયે કેવી મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેનો અંદાજ લગાવી શકાય છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજધાની લખનઊ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની લખનૌ અને તેની આસપાસના બારાબંકી, હરદોઈ, કાનપુર, બહરાઈચ અને ઉન્નાવ સહિત લગભગ 22 જિલ્લામાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે લોકોનું જીવન પ્રભાવિત થયું છે અને તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બારાબંકી જિલ્લાના શહેરી વિસ્તારોમાં શેરીઓ અને રસ્તાઓ પર અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે હજારો ઘરોની હાલત કફોડી છે. સાથે જ દુકાનોના ભોંયરામાં બનાવેલ વેરહાઉસમાં પણ પાણી ભરાઈ જતાં ધંધાર્થીઓને ભારે નુકસાન થયું હતું.
જોકે, આ કુદરતી આપદામાં લોકોને રાહત આપવા માટે રાજ્ય સરકારે એનડીઆરએફની ટીમોને તહેનાત કરી છે, જે લોકોને ઘણી મદદ કરવાનું કામ કરી રહી છે.
સોમવારે રાજ્યના મુરાદાબાદ, સંભલ, કન્નૌજ, રામપુર, હાથરસ, બારાબંકી, કાસગંજ, બિજનૌર, અમરોહા, બહરાઈચ, લખનૌ, બદાઉન, મૈનપુરી, હરદોઈ, ફિરોઝાબાદ, બરેલી, શાહજહાંપુર, કાનપુર, સીતાપુર, ફરુખાબાદમાં લખીમપુર ખેરી અને ફતેહપુરમાં 40 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.