મણિપુરના ચાર જિલ્લામાંથી ૧૭ આતંકવાદીની ધરપકડ

ઇમ્ફાલઃ મણિપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર જિલ્લાઓમાંથી વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા ૧૭ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે ગુરૂવારે બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ કિયામ લેઇકાઇ વિસ્તારમાંથી પ્રતિબંધિત કાંગલેઇ યાવોલ કન્ના લુપ(કેવાયકેએલ) સંગઠનના ૧૩ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ કુલ ૨૭ કારતૂસ, ત્રણ વોકી-ટોકી સેટ, છદ્માવરણ ગણવેશ અને અન્ય ટેક્ટિકલ સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા લોકોને વધુ તપાસ માટે ઇમ્ફાલ લઇ જવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે ગુરૂવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નગરિયન ચિંગ વિસ્તારમાંથી પ્રતિબંધિત યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ(પી)ના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલ વ્યક્તિ ખંડણીની પ્રવૃતિઓમાં સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : મણિપુરના બે જિલ્લામાંથી નવ આતંકીઓની ધરપકડ
તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ ગુરૂવારે બિષ્ણુપુર જિલ્લાના નગાઇખોંગ ખુલ્લન વિસ્તારમાંથી કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી(સિટી મેઇતેઇ)ના એક કેડરની ધરપકડ કરી હતી.
પોલીસે કાકચિંગ જિલ્લાના કાકચિંગ સુમક લેઇકાઇ વિસ્તારમાંથી ખંડણી પ્રવૃતિમાં સામેલ કાંગલેઇ યાવોલ કન્ના લુપ(કેવાયકેએલ)ના સક્રિય કેડરની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ફિદિંગાથી એક કેસીપી(પીડબ્લ્યુજી) કેડરની ધરપકડ કરી હતી.