હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ૧૬૮ રસ્તા બંધ
હિમવર્ષા: મનાલીમાં શનિવારે થયેલી ભારે હિમવર્ષા બાદ અટલ ટનલ રોહતંગ સાઉથ પોર્ટલ નજીકના રસ્તા પર બરફ છવાઈ ગયો હતો. (એજન્સી)
શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ૧૬૮ રસ્તાઓ બંધ થયાં હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક હવામાન કચેરીએ હિમાચલ પ્રદેશમાં ચાર એપ્રિલ સુધી વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી અને વરસાદ પડ્યો હતો.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ શુક્રવારે રાત્રે રાજ્યમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ ૧૬૮ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. આમાંના મોટા ભાગના રસ્તા લાહૌલ અને સ્પીતિના મુશ્કેલ પ્રદેશમાં છે, જ્યાં ૧૫૯ રસ્તાઓ હજુ ખોલવાના બાકી છે. ક્ધિનૌર જિલ્લાના મલિંગ નજીક હિમાચલ રોડવેઝ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસ શનિવારે સવારે બરફમાં લપસ્યા બાદ પલટી મારી ગઇ હતી, જોકે કોઈ જાનહાનિ થઈ નથી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ભારે હિમવર્ષાને કારણે મનાલી નજીક રોહતાંગમાં અટલ ટનલ પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. ૨૪ કલાકમાં કલ્પા અને કુકુમસેરીમાં પાંચ સેમી અને કેલોંગમા ત્રણ સેમી બરફ પડ્યો હતો.
સ્થાનિક હવામાન કચેરીએ શનિવારે રાજ્યના ૧૨માંથી સાત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી, કરા, ભારે વરસાદ અને તોફાની પવનો (૪૦-૫૦ કિમી પ્રતિ કલાક) સાથે વાવાઝોડાની ઓરેન્જ ચેતવણી જારી કરી હતી.