વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪માં ૧૬ દેશ ભાગીદાર બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આજ સુધીમાં ૧૬ દેશો અને ૧૪ સંસ્થાઓએ આગામી મહિને યોજાનારી ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે ભાગીદાર બનવાની પુષ્ટિ કરી છે એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) ૨૦૨૪, ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ થીમ પર આયોજિત કરવામાં આવી રહી છે, જેમાં જાપાન, ફિનલેન્ડ, મોરોક્કો, રિપબ્લિક ઓફ કોરિયા, મોઝામ્બિક, એસ્ટોનિયા, યુએઇ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, નેધરલેન્ડસ, નોર્વે, નેપાળ હશે, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, જર્મની અને ઇજિપ્ત ભાગીદાર દેશો તરીકે રહેશે એમ સરકારી યાદીમાં જણાવ્યું હતું. રોકાણકારોની સમિટની ૧૦મી આવૃત્તિ ૧૦-૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાની છે.
ભાગીદાર સંસ્થાઓમાં ભારતમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન, એપિક ઈન્ડિયા-યુનિવર્સિટી ઓફ શિકાગો, ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડો-કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડો-આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, નેધરલેન્ડ બિઝનેસ સપોર્ટ ઓફિસ, કાઉન્સિલ ઓફ ઈયુ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ઈન્ડિયા, યુએઈ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ વીજીજીએસ ૨૦૨૪માં ભાગીદાર સંસ્થા તરીકે પણ જોડાયા છે.
વીજીજીએસ ૨૦૨૪ સેમિક્ધડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, ઇ-મોબિલિટી, રિન્યુએબલ એનર્જી અને ફિનટેક જેવા ઊભરતાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ આકર્ષવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરશે.