દેશમાં કેટલી બધી બેકારી છે એ તાજેતરમાં જોવા મળ્યું હતું. એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જવાથી, અરજદારોને તેમના બાયોડેટા સબમિટ કરવા અને જવા માટે કહેવામાં આવ્યું હતું.
મંગળવારે મુંબઈના કાલીનામાં હજારો નોકરી શોધનારાઓ એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે આવ્યા હતા. આ પદો માટેની લઘુત્તમ લાયકાત SSC પાસ અને વધુમાં વધુ 23 વર્ષની હતી. પગાર રૂ. 22,530 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. આ પદ 3 વર્ષના ફિક્સ્ડ-ટર્મ કોન્ટ્રાક્ટના આધારે હતું. વિવિધ સમારકામ અને જાળવણી કાર્યો કરવા માટે હેન્ડીમેન અને યુટિલિટી એજન્ટની પોસ્ટ માટે 1,800 જગ્યાઓ માટે લગભગ પચાસ હજારથી વધુ લોકો આવ્યા હતા. લિમિટેડ વેકેન્સી હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી.
ગુજરાતમાં 9 જુલાઈના રોજ આવી જ નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. અંકલેશ્વર ખાતે 40 જગ્યાઓ માટે એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઈન ઈન્ટરવ્યુ માટે લગભગ 1,000 લોકો આવ્યા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું. ત્યાર બાદ બેકાબૂ યુવાનોનું ટોળું હોટલની બહારની રેલિંગ પર ચઢી ગયું હતું. જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને અનેક યુવકો નીચે પડી ગયા હતા. ઉપરાંત રેલીંગની સામે પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.