ગેરવર્તણૂક બદલ ૧૫ વિપક્ષી સંસદસભ્યો સસ્પેન્ડ
લોકસભામાંથી ૧૪ અને રાજ્યસભાના એક સભ્ય નિલંબિત
નવી દિલ્હી: ગૃહની કાર્યવાહી ખોરવવા બદલ વિપક્ષના ૧૪ સાંસદને બાકીના શિયાળુ સત્ર માટે ગુરુવારે લોકસભામાંથી અને એક સાંસદને રાજ્યસભામાંથી એમ કુલ ૧૫ સાસંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
લોકસભામાં સુરક્ષાના ભંગને મામલે ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી નિવેદન આપે એવી વિપક્ષના સાંસદોની માગણી વચ્ચે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જુદા જુદા બે પ્રસંગે સાંસદોના સસ્પેન્શન માટે ઠરાવ મૂક્યો હતો.
સસ્પેન્ડ કરવામાં આવ્યા તે અગાઉ સાંસદો બુધવારે લોકસભામાં સુરક્ષાના થયેલા ભંગને મુદ્દે સરકાર નિવેદન આપે એવી માગણી સાથે સૂત્રોચ્ચાર કરતા ગૃહની વૅલમાં ધસી ગયા હતા.
વિપક્ષ દ્વારા કરવામાં આવેલા શોરબકોર વચ્ચે શૂન્યકાળ દરમિયાન ગૃહની કાર્યવાહી પ્રથમ વખત બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી.
બે વાગ્યે જોશીએ સરકારનું નિવેદન વાંચી સંભળાવ્યું હતું અને કહ્યું હતું કે સંસદની આંતરિક સુરક્ષાનો મુદ્દો સ્પીકરના અધિકારક્ષેત્રમાં આવે છે.
ત્યાર બાદ તેમણે પાંચ સાંસદને સસ્પેન્ડ કરવાનો ઠરાવ ડીન સમક્ષ રજૂ કર્યો હતો.
ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે આ ગૃહે ટી. એન. પ્રથાપન, હિબિ ઍડન, જ્યોતિમણી, રામ્યા હરિદાસ સહિતના પાંચ સાંસદે દાખવેલી ગેરવર્તણૂક બદલ તેમને સંસદના શિયાળ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો હું પ્રસ્તાવ મૂકું છું.
ત્યાર બાદ ગૃહની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી.
ત્રણ વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં જ જોશીએ વી. કે. શ્રીક્ધદન (કૉંગ્રેસ), બૅન્ની બેહાનાન (કૉંગ્રેસ), મોહમ્મદ જાવેદ (કૉંગ્રેસ), પી. આર. નટરાજન (માર્ક્સવાદી પક્ષ), કનિમોઝી (દ્રમુક), કે. સુબ્બારાયન (સામ્યવાદી પક્ષ), એસ. આર. પાર્થિબાન (દ્રમુક), એસ. વેંકડેશન (માર્ક્સવાદી પક્ષ) અને માણિકરામ ટાગોર (કૉંગ્રેસ)ને સસ્પેન્ડ કરવાનો ઠરાવ રજૂ કર્યો હતો.
સાંસદોએ બાદમાં દાવો કર્યો હતો કે પ્રથાપન દિલ્હીમાં નહીં પણ ચેન્નઈમાં હોવા છતાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ગૃહની કાર્યવાહી શુક્રવારે સવારે ગૃહની બેઠક મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી હતી.
ગૃહની કાર્યવાહી મોકુફ રાખવામાં આવ્યા બાદ પણ સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાંથી અમુકે વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું. સંસદનું શિયાળુ સત્ર ચાર, ડિસેમ્બરે શરૂ થયું હતું અને તે બાવીસ ડિસેમ્બરે પૂરું થશે. (એજન્સી)
સાંસદોનું સસ્પેન્શન:લોકશાહીની હત્યા
નવી દિલ્હી: લોકસભામાં સાંસદોના સસ્પેન્શનને ‘લોકશાહીની હત્યા’ લેખાવતા કૉંગ્રેસે ગુરુવારે ભાજપ સરકાર પર સંસદને ‘રબ્બર સ્ટેમ્પ‘ બનાવી દેવાનો આક્ષેપ કર્યો હતો.
લોકસભામાં સુરક્ષાના ભંગને મુદ્દે ગૃહની કાર્યવાહી ખોરવી નાખવા બદલ વિપક્ષના ૧૫ સાંસદને સંસદના બાકીના શિયાળુ સત્ર માટે ગુરુવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ટીએમસીના ડેરેક ઑબ્રેનને રાજ્યસભામાંથી તો કૉંગ્રેસના નવ અને દ્રમુકના કનિમોઝી સહિત ૧૪ સાંસદને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બુધવારે લોકસભામાં સુરક્ષાના ભંગના ગંભીર મુદ્દે સરકાર પાસે જવાબ માગનાર સાંસદોને સસ્પેન્ડ કરવા એ લોકશાહી વિરુદ્ધનું પગલું હોવાનું કૉંગ્રેસના મહામંત્રી કે. સી. વેણુગોપાલે કહ્યું હતું. (એજન્સી)
દ્રમુકના સાંસદનું સસ્પેન્શન પાછું ખેંચાયું
નવી દિલ્હી: સરકારે દ્રમુકના સાંસદ એસ. પી. પાર્થિવનનું લોકસભામાંનું સસ્પેન્શન પાછું ખેંચવાનો ગુરુવારે નિર્ણય લીધો હતો.
અગાઉ, દ્રમુકના આ સાંસદ ગૃહમાં ગેરહાજર હોવા છતાં તેમને ભૂલથી સસ્પેન્ડ કરાયા હતા, પણ બાદમાં સરકારને આ ભૂલની જાણ થતાં સસ્પેન્શન પાછું ખેંચ્યું હતું.
હવે લોકસભાના ૧૩ અને રાજ્યસભાના એક મળીને કુલ ૧૪ સાંસદ સસ્પેન્ડ કરાયા હતા.
સંસદીય બાબતોને લગતા પ્રધાન પ્રહ્લાદ જોશીએ જણાવ્યું હતું કે લોકસભાના સ્ટાફે એસ. પી. પાર્થિવનનું નામ સસ્પેન્ડ કરાયેલા સાંસદોની યાદીમાં ભૂલથી લખ્યું હોવાથી તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. અમે સ્પીકરને આ અંગે જાણ કરી હતી અને સ્પીકર સહમત થયા હતા. (એજન્સી)