કેરળમાં ભાજપ નેતાની હત્યા કેસમાં પીએફઆઇ સાથે જોડાયેલા ૧૫ દોષિતોને ફાંસીની સજા
અલપ્પુઝા: કેરળની એક કોર્ટે પ્રતિબંધિત ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ) સાથે જોડાયેલા ૧૫ દોષિતોને બે વર્ષ પહેલા અલપ્પુઝામાં ભારતીય જનતા પાર્ટીના નેતા રંજીત શ્રીનિવાસનની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી છે. રંજીત શ્રીનિવાસન બીજેપી ઓબીસી મોરચાના નેતા હતા. શ્રીનિવાસનની હત્યાના કેસમાં તમામ આરોપીઓને કોર્ટે એક સપ્તાહ પહેલા દોષિત ઠેરવ્યા હતા.
અધિક જિલ્લા ન્યાયાધીશ વી.જી. શ્રીદેવીએ દોષિતને ફાંસીની સજા આપી હતી. ફરિયાદ પક્ષે આ કેસમાં ગુનેગારોને મહત્તમ સજાની માંગ કરી હતી અને કહ્યું હતું કે તમામ દોષિતો પ્રશિક્ષિત હત્યારા હતા. આ લોકોએ પીડિતને તેની માતા, પત્ની અને બાળકોની સામે જે ક્રૂર રીતે માર માર્યો તે રેરેસ્ટ ઓફ ધ રેર કેટેગરીમાં આવે છે.
કોર્ટે મોતની સજાની જાહેરાત કરતા પીડિત નેતાના પરિવાર અને ભાજપે આ નિર્ણયને આવકાર્યો છે. ચુકાદા પર પ્રતિક્રિયા આપતા શ્રીનિવાસનના પરિવારે કહ્યું કે તેઓ તેનાથી સંતુષ્ટ છે. શ્રીનિવાસનની પત્નીએ કહ્યું, “આ એક રેરેસ્ટ ઓફ ધ રેર કેસ હતો અને અમારું નુકસાન ઘણું મોટું છે. અમે આ ઘટનાની સંપૂર્ણ અને પ્રમાણિક તપાસ કરવા બદલ ફરિયાદી અને તપાસ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમની મદદથી જ ગુનેગારોને મહત્તમ સજા આપવામાં આવી હતી.
નોંધનીય છે કે ભાજપના ઓબીસી મોરચાના રાજ્ય સચિવ રંજીત શ્રીનિવાસનને પીએફઆઇ અને ‘સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા’ સાથે સંકળાયેલા કાર્યકરો દ્વારા ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ તેમના પરિવારની સામે તેમના ઘરમાં ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી.
સ્પેશિયલ પ્રોસિક્યુટર પ્રતાપ જી.પડીક્કલના જણાવ્યા અનુસાર આ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા કુલ ૧૫ લોકોમાંથી ૧૪ને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એક દોષિત હૉસ્પિટલમાં દાખલ હોવાના કારણે તેને કોર્ટમાં હાજર કરી શકાયો નહોતો. જો કે, ન્યાયાધીશે મૌખિક રીતે કહ્યું કે આ સજા તે દોષિતને પણ લાગુ પડશે જેને આજે રજૂ કરવામાં આવ્યો ન હતો.
બીજી તરફ ભાજપે શ્રીનિવાસનને મહાન શહીદ ગણાવતા કહ્યું હતું કે આજે તેમને ન્યાય મળ્યો છે. કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કેરળ ભાજપના અધ્યક્ષ કે. સુરેન્દ્રને કહ્યું હતું કે શ્રીનિવાસનને આખરે ન્યાય મળ્યો છે. છેવટે, સત્યનો વિજય થયો. મહાન શહીદ રંજીત શ્રીનિવાસનને આજે ન્યાય મળ્યો. અમે ચુકાદાથી ખુશ છીએ અને તેનું દિલથી સ્વાગત કરીએ છીએ.