નેશનલ

ગુજરાતમાં વીજળી ત્રાટકતાં ૧૪નાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે અનેક જગ્યાએ વીજળી ત્રાટકી હતી. જેમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓનાં પણ મોત થયાં હતાં. તેમ જ વીજળી પડવાથી કેટલીક જગ્યાએ આગ પણ લાગી હતી. મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમ જ ભરૂચ અને સુરેન્દ્રનગરમાં તેમ જ સાબરકાંઠાના ઈડર, તાપી, દાબોદ અને વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયાં છે. બીજી બાજુ ભારે પવનના કારણે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષા ચાલકનું મોત થયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના શિયાપુરા ગામે રહેતા સંજય ઠાકોર પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વીજળી તેમના ઉપર પડતા તેઓને કડીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. મહેસાણાના વિજાપુર તાલુકાના દેવડા ગામે રહેતા જીતેન્દ્ર પરમાર (ઉ.વ.૨૯)ની રિક્ષા પર ભારે પવન અને વરસાદને કારણે એકાએક વૃક્ષ પડ્યું હતું. જેથી વૃક્ષની નીચે દબાઈ જતાં રિક્ષાચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અમરેલી જિલ્લામા જાફરાબાદના રોહિસા ગામમાં ૧૬ વર્ષીય કિશોર વાડી વિસ્તારમાં વરસાદથી પાક પલળી ન જાય તે માટે તાલપત્રી ઢાંકતો હતો. ત્યારે તેના પર વીજળી પડતા કિશોરનું મોત થયું હતું. ભરૂચના હાંસોટમાં રહેતા ભૂરી બેન (ઉ.વ.૫૫) સવારે આલિયાબેટ ખાતે માછીમારી કરવા માટે એમનાં પુત્રના પુત્ર આકાશકુમાર રાઠોડ (ઉ.વ.૧૪) સાથે ચાલતાં જઈ રહ્યાં હતાં. ત્યારે અચાનક વીજળી પડતાં બંનેનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. સુરેન્દ્રનગરના ભાણેજડા ગામે કુલદીપ ભાંભળા નામના યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાવડા ગામ અને અમદાવાદના ધોલેરા તાલુકાના દેવપરા ગામ વચ્ચે ૨૨ વર્ષીય બાઈક ચાલક પર વીજળી પડતા મોત થયું હતું. હેબતપુર ગામના રાકેશ ધરેજીયા નામના યુવાનનું મોત થયું હતું. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં કાબસો ગઢા ગામે ખેતરમાં કામ કરતા કમળા પરમાર (ઉં.વ.૫૬) પર અચાનક વીજળી પડતા સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે વાવના મોરખા ગામે વીજળી પડતા બાળકીનું મોત થયું હતું. તાપી જિલ્લામાં વીજળી પડવાના બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં. સોનગઢ તાલુકાના ગુંદી ગામે ખેતરમાં કામ કરતી મહિલા કુસુમ વસાવા પર વીજળી પડતાં તેઓનું મોત થયું હતું. તો બીજા બનાવમાં સોનગઢ તાલુકાના ખાંભલા ગામે અર્જુન ગામીતનું પણ વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. બીજી તરફ વિરમગામનાં કુમારખાણ ગામે વીજળી પડવાથી એક ખેડૂતનું મોત થયું હતું. સુરતના બારડોલી તાલુકામાં વીજળી પડતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય મજૂરોને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બારડોલી તાલુકાના નાની ભટલાઈ ગામ નજીક રહેતા સુરેશ ચૌધરીના ખેતરમાં મજૂરો મરચાં તોડી રહ્યા હતા તે સમયે અચાનક ગાજવીજ સાથે વરસાદ વરસતા મજૂરો વરસાદથી વૃક્ષ નીચે આશરો લીધો હતો. ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડતા અફરાતફરી મચી ગઇ હતી અને મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં એકનું મોત થયું હતું. પાટણમાં સમી તાલુકાના હરીપુરા લાલપુરા ગામે ચાલુ વરસાદે ખેતરમાં કામ કરી રહેલા ચાર મજૂરો ઉપર વીજળી પડતા મજૂરો શરીરના ભાગે ગંભીર રીતે દાઝી જતા ચારેય મજૂરોને સમયસરની સારવારના કારણે હાલમાં ચારેય મજૂરોની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતુ.

આ ઉપરાંત મહેસાણા તાલુકાના લક્ષમીપુરા ગામે કડીના બલાસર ગામે કોલોનીમાં વીજળી પડતા એક વાછરડી અને બે ભેંસનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે ઊંઝા તાલુકાના ઉપેરા ગામે ઊંટ પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના મોરખા ગામે વીજળી પડતા ભેંસનું મોત થયું હતું. પાલનપુરના મલાણા ગામે વીજળી પડતા એક ગાયનું મોત થયું હતું. કઠલાલ તાલુકાના ઘોઘાવાવ ગામમાં વીજળી પડવાથી ૧૦ બકરીઓના મોત થયાં હતાં. સુરેન્દ્રનગરના ભાણેજડા ગામે વીજળી પડવાથી ત્રણ ભેંસ અને એક ગાયનું મૃત્યુ થયું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત