132 સીટ, ફૂડ ફેસિલિટી અને હોસ્ટેસ આ તે બસ છે કે બીજું કંઈ? ગડકરીનો આ છે પ્રોજેક્ટ
નવી દિલ્હીઃ ભારતમાં પ્રદૂષણ એક મોટો મુદ્દો બની ગયો છે. સરકાર ખાનગી અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે બિન-પ્રદૂષિત સ્ત્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર મહેનત કરી રહી હોવાનું નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ એક એવોર્ડ સમારોહ દરમિયાન એક વિશેષ કાર્યક્રમમાં કહ્યું હતું કે નાગપુરમાં એક પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં ૧૩૨ બેઠકવાળી બસ સામેલ છે, જેમાં વિમાન જેવી બેઠકો અને એક ‘બસ હોસ્ટેસ’ હશે. જે ઊર્જાના બિન-પ્રદૂષિત સ્ત્રોતો પર ચાલશે અને સાથે નિયમિત ડીઝલ બસોની તુલનામાં સસ્તી પણ હશે. સરકારનો હેતુ ભારતને આયાતકારને બદલે શુદ્ધ ઊર્જા નિકાસકાર બનાવવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: મોદી 3.0 કેબિનેટમાં મહારાષ્ટ્રના 5 પ્રધાન, ગડકરી-ગોયલ અને શિંદેના નેતાઓને શપથ માટે બોલાવવામાં આવ્યા
ઈથેનોલનો ઉપયોગ કરવાનું વધુ યોગ્ય
દેશમાં આજે સૌથી મોટી સમસ્યા હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણની છે. આપણને આયાત-વિકલ્પો, અસરકારક ખર્ચ, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી પરિવહન ઉકેલોની જરૂર છે. આપણી પાસે ઇલેક્ટ્રિક વાહનો છે. હવે ઇન્ડિયન ઓઇલ ૩૦૦ ઇથેનોલ પંપ સ્થાપિત કરી રહ્યું છે અને ઓટોમોબાઇલ કંપનીઓ ફ્લેક્સ વાહનો લાવી રહી છે, તેથી ૧૨૦ પ્રતિ રૂપિયા પ્રતિ લિટરના ભાવે પેટ્રોલ ભરવાને બદલે ૬૦ રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઇથેનોલનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે. જેમાં વાહન ૬૦ ટકા વીજળીથી અને ૪૦ ટકા ઇથેનોલથી ચાલશે. જેનાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
નાગપુર માટે પાયલોટ પ્રોજેક્ટ
સરકાર જે બીજી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તે છે સાર્વજનિક પરિવહનના ખર્ચમાં ઘટાડો. અમે ટાટા સાથે નાગપુરમાં એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. આ પ્રોજેક્ટમાં ૧૩૨ લોકો બેસી શકશે અને તે રિંગ રોડ પર ૪૯ કિલોમીટરની મુસાફરી કરશે તથા ૪૦ કિલોમીટર પછી બસ સ્ટોપ પર રોકાશે અને આગામી ૪૦ કિલોમીટર માટે માત્ર ૪૦ સેકન્ડમાં ચાર્જ થઇ જશે. જેનો ખર્ચ પ્રતિ કિલોમીટર ૩૫-૪૦ રૂપિયા આવે છે.
આરામદાયક સીટ સાથે બસ હોસ્ટેસ રાખવાનું સૂચન
મેં સૂચન કર્યું છે કે તેમાં એર કન્ડિશનિંગ, આરામદાયક ખુરશીઓ અને સીટોની આગળ લેપટોપ રાખવા માટે જગ્યા હોવી જોઇએ. તેમજ એર હોસ્ટેસની જેમ મુસાફરોને ફળો, પેક્ડ ફૂડ અને પીણાં આપવા માટે બસ હોસ્ટેસ પણ હોવી જોઇએ. મારો અંદાજ છે કે આ બસ ચલાવવાનો ખર્ચ ડીઝલ બસ કરતાં ૩૦ ટકા ઓછો હશે. જો સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે તો ખર્ચ વધુ ઓછો થશે.