નેશનલ

Electoral Bonds ખરીદનાર 1300 કંપનીઓ મુશ્કેલીમાં છે, ટેક્સ વિભાગે ઈન્ફોસિસ, MEIL,એરટેલ અને ટોરેન્ટ ફાર્માને ફટકારી નોટિસ

નવી દિલ્હી : દેશમાં ફેબ્રુઆરી 2024માં 18મી લોકસભાની ચૂંટણી પૂર્વે ઈલેક્ટોરલ બોન્ડને(Electoral Bond) લઈને દેશભરમાં ભારે હોબાળો થયો હતો. ચૂંટણી પંચ(Election Commission)દ્વારા રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપતી કંપનીઓનો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. આ પૂર્વે સુપ્રીમ કોર્ટે(Supreme Court) ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી તમામ ડેટા ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો હતો. ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી 1300 કંપનીઓ હવે ટેક્સ વિભાગના રડાર પર છે.

કપાત અંગે ટેક્સ સત્તાવાળા તરફથી નોટિસ

રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપનારી લગભગ 1300 કંપનીઓને ટેક્સ સત્તાવાળાઓ તરફથી નોટિસ મળવાનું શરૂ થઈ ગયું છે. એક અખબારના અહેવાલ મુજબ કેટલીક કંપનીઓને ઈલેક્ટોરલ બોન્ડ્સ માટે દાવો કરાયેલા કપાત અંગે ટેક્સ સત્તાવાળાઓ તરફથી નોટિસ મળી છે.

તમામ કંપનીઓએ SBI પાસેથી ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી

આ યાદીમાં ઈન્ફોસીસ, એમ્બેસી ગ્રુપ, મેઘા એન્જીનીયરીંગ, આદિત્ય બિરલા ગ્રુપ, JSW સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, લુપીન, ઈન્ટાસ, ભારતી એરટેલ અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓએ એસબીઆઇ (SBI)પાસેથી ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી હતી.

સુપ્રીમ કોર્ટે કર મુક્તિ અંગે ચિંતા વ્યક્ત કરી

જાન્યુઆરી 2018માં શરૂ થયેલી ચૂંટણી બોન્ડ યોજના દ્વારા રાજકીય પક્ષોને કુલ રૂપિયા 16,518 કરોડનું ભંડોળ મળ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ, દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કરી અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા તેમના દાન પર આપવામાં આવતી કર મુક્તિ અંગે ચિંતા વ્યક્ત કરી.

નાણા મંત્રાલયને હસ્તક્ષેપ કરવા કંપનીઓની માગ

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ટેક્સ ઓથોરિટીઝ તરફથી નોટિસ મળ્યા બાદ કંપનીઓએ નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો છે. એક અખબારના રિપોર્ટ અનુસાર, કંપનીઓએ નાણા મંત્રાલયને આ મામલે હસ્તક્ષેપ કરવા અને આગામી બજેટમાં રાહત આપવાની માંગ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button