ગંગાસાગરના મેળામાં વિખૂટા પડેલા દંપતિનું 13 વર્ષે પુન:મિલન
કોલકાતા: કોઇ ફિલ્મી કહાણીને પણ ટક્કર મારે એવી એક ઘટનામાં ગંગાસાગરના મેળામાં આજથી 13 વર્ષ પહેલા લાખોની ભીડમાં વિખૂટા પડી ગયેલા પતિ પત્નીનું કોલકાતા પોલીસે પુન: મિલન કરાવ્યું હતું. લલિત બરેઠ અને તેમના પત્ની ગુરબારી બરેઠ સાથે જે થયું એ જાણીને તમારી પણ આંખો અશ્રુઓથી છલકાઇ જશે.
લલિત બરેઠ આજથી 13 વર્ષ પહેલા છત્તીસગઢથી પત્નીના માનસિક તકલીફનો ઇલાજ કરાવવા પત્ની-સંતાન સાથે કોલકાતા આવ્યા હતા. એ સમયે બંને યુવાનીમાં હતા. તેમને જાણ થઇ કે કોલકાતામાં ગંગાસાગર મેળો ચાલી રહ્યો છે, અને તેમને મેળો જોવા જવાની ઇચ્છા થઇ. મેળામાં કોઇક કારણોસર લલિત અને ગુરબારી છૂટા પડી ગયા અને 11 દિવસનું નવજાત હાથમાં લઇને ગુરબારી પતિને શોધવા આમથી તેમ ભટકતી રહી. બીજી બાજુ લલિતે પણ પોતાની માનસિક બિમાર પત્નીની દરેક જગ્યાએ તપાસ ચલાવી, પણ તેને કોઇ સફળતા ન મળી. અંતે હારીથાકીને તે પોતાના ગામ જતો રહ્યો.
લલિત પોતાના વતન તો પરત ફર્યો, પરંતુ તેણે પત્નીને પાછી મેળવવાની આશા છોડી નહી. દર વર્ષે ગંગાસાગર મેળામાં તે આવતો અને ગુમ થયેલા વ્યક્તિઓમાં પોતાની પત્ની ગુરબારી અને પોતાના બાળકને શોધવાના પ્રયત્નો કરતો. પત્ની-સંતાનની ભાળ ન મળે તો નિરાશ વદને ઘરે પાછો ફરતો. કોઇપણ વ્યક્તિ આવી સ્થિતિમાં બીજા લગ્ન કરીને જીવનમાં આગળ વધી જાય, પરંતુ લલિતે તો બીજા લગ્નનો વિચાર સુદ્ધાં ન કર્યો.
પતિ-પત્નીના આ તપથી કદાચ ઇશ્વર પણ પ્રસન્ન થયા હોય તેમ વર્ષ 2010માં કોલકાતા પોલીસે ગુરબારી બરેઠને તેના નવજાત શિશુ સાથે ભટકી રહેલી જોઇ. પોલીસે માનવતા મહેકાવતા ગુરબારીની સારવાર કરાવી, ત્યારબાદ કોર્ટના આદેશને પગલે તેની તબિયત સારી થયા બાદ પતિ-ઘરબાર વગેરેની જે કંઇપણ માહિતી ગુરબારીએ આપી તેના પરથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મૌસમી ચક્રવર્તી અને વિશ્વજીત સિંહા મોહાપાત્રએ કામગીરી કરતા છત્તીસગઢમાં લલિતની તપાસ ચલાવી. છત્તીસગઢ પોલીસની મદદ મેળવી એક વ્યક્તિને ગુરબારીના ફોટો સાથે તેના વતન મોકલવામાં આવ્યો, એ વ્યક્તિએ ગામમાં પૂછપરછ કરતા આખરે તેને લલિતનો ભેટો થયો અને ગુરબારી ક્યાં છે તેની વિગતો લલિત તથા ગુરબારીના પરિવાજનોને અપાઇ.
13 વર્ષ બાદ પોતાની પત્નીના સમાચાર મળતા લલિતના આનંદનો પાર ન રહ્યો. પત્ની અને સંતાનોને મળવા તે ઉત્સાહભેર કોલકાતા દોડી આવ્યો. આમ, કોલકાતા પોલીસ તથા બિલાસપુર પોલીસના સહિયારા પ્રયાસોથી એક પ્રેમાળ દંપતિનું પુન:મિલન થયું.