
નવી દિલ્હી: મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા હાલ કાબુમાં હોવાનો સરકાર દાવો કરી રહી છે, દરમિયાન પોલીસ અને સુરક્ષા દળો દ્વારા નાગરિકોની હત્યા કરાતી હોવાની ફરિયાદો ઉઠી છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમીશન(NHRC) એ શુક્રવારે મણિપુર સરકાર અને રાજ્યના પોલીસ વડાને તેંગનોપલ જિલ્લાના લીથુ ગામમાં ગોળીબાર અંગે નોટિસ જાહેર કરી હતી, જેમાં 13 લોકો માર્યા ગયા હતા.
NHRCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટના રાજ્યમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તૈનાત કરાયેલી એજન્સીઓ અને દળોની એક મોટી “ક્ષતિ” દર્શાવે છે. સુત્રોના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય માનવાધિકાર પંચે કહ્યું કે આ વર્ષે મે મહિનામાં મણિપુર રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદથી શાંતિપૂર્ણ વિસ્તારમાં 13 લોકોના મોતના સમાચાર ચિંતાજનક અને પરેશાન કરનાર છે.
માનવાધિકાર પંચે મણિપુરના તેંગનોપલ જિલ્લાના સૈબોલ નજીકના લીથુ ગામમાં ગોળીબારમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હોવાના મીડિયા અહેવાલ અંગે નોંધ લીધી છે. આ ઘટના 4 ડિસેમ્બરના રોજ બની હતી.
NHRCએ રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ આપવામાં આવશે.
લીથુ ગામ તેંગનોપલ જિલ્લામાં આવેલું છે. મણિપુરમાં વંશીય સંઘર્ષ દરમિયાન આ વિસ્તાર પ્રભાવિત થયો ન હતો. તેંગનોપલ જીલ્લાની સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે. ગામમાં કોઈ રોડ કનેક્ટિવિટી નથી અને મ્યાનમારમાં પ્રવેશવા માટે ઘણીવાર આતંકવાદી જૂથો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. લિથુ ગામથી મ્યાનમાર બોર્ડર 15 કિલોમીટર દૂર છે.