યુપીમાં બની ગજબ ઘટનાઃ કરવાચોથની લાખોની ગિફટ્સ લઈ એક ડઝન દુલ્હન ભાગી ગઈ

અલીગઢઃ કરવાચોથનું વ્રત 10મી ઑક્ટોબરે દેશની લાખો દુલ્હને રાખ્યું. પતિની સુખ-સમૃદ્ધિ માટે પત્નીઓ આખો દિવસ ભૂખી રહે છે અને રાત્રે ચાંદ જોયા બાદ પતિના હાથે પાણી પીવે છે અને પછી વ્રત ખોલે છે. આ દિવસે પતિ પત્નીને ગિફ્ટ પણ આપે છે. જોકે ઉત્તર પ્રદેશના અલીગઢમાં પતિઓને આ ગિફ્ટ ભારે પડી ગઈ છે. અહીં એક બે નહીં પણ એક સાથે 12 દુલ્હન ભાગી ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ તમામ દુલ્હનો મૂળ બિહારની છે અને તેમને મળેલા પૈસા કે ઘરેણા લઈ તેઓ ભાગી છૂટી હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી ફેલાવી છે.
દલાલ દ્વારા થયા હતા લગ્ન
નવાઈની વાત તો એ છે કે આ ઘટના બની તે પહેલા જ એક સાથે 12 લગ્ન થયા હતા અને તમામ છોકરી બિહારની હતી. આ લગ્ન માટે મુકેશ ગુપ્તા નામના એક એજન્ટે બે પક્ષને મેળવ્યા હતા. દરેક લગ્ન માટે 1થી 1.50 લાખ જેટલી રકમ કમિશનપેટે પણ ચૂકવાઈ હતી. યુવતીઓને બિહારથી અલીગઢ લાવવામાં આવી અને ત્યારબાદ તેમના લગ્ન નક્કી થયા.
મોટાભાગના યુવકો અલીગઢ શહેરના સાસની ગેટ વિસ્તાર અથવા કૈલાશ નગરમાં રહેતા હતા. મોટાભાગના યુવકો 25-35 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. અહીંના મેયર શકુંતલા ભારતીએ આ સમગ્ર પ્રકરણને એક રેકેટ કહ્યું છે. જોકે આ પહેલી ઘટના નથી. અગાઉ મથૂરા, આગ્રામાં પણ આવા કેસ નોંધાઈ ચૂક્યા છે.

ચાંદ જોઈને વ્રત તોડ્યા ને પછી…
મોટાભાગના લગ્ન તો 9મી ઑક્ટોબરે જ થયા હતા. અમુક કોર્ટમાં તો અમુક મંદિરમાં વિધિ સાથે લગ્ન થયા હતા. દસમીએ કરવાચોથનું વ્રત હતું. દુલ્હનોને સાસરાપક્ષે ઘરેણા વગેરે આપ્યું હતું. કરવાચોથનું વ્રત સજીધજીએ તમામ નવવધૂઓએ રાખ્યું. રાત્રે ચાંદ દેખાતા વ્રત તોડ્યું. પતિના હાથે પાણી પણ પીધું. જોકે દુલ્હનોએ પહેલેથી નક્કી થયું તે પ્રમાણે ખાવાપીવામાં નશીલી દવાઓ ભેળવી દીધી અને રાત પડતા જ જે કંઈ રોકડરકમ અને ઘરેણા મળ્યા હતા, તે લઈ ગાયબ થઈ ગઈ. પરિવારોને જ્યારે હોશ આવ્યો ત્યારે દુલ્હનો દેખાઈ નહીં.
આખા ગામની વાત કરીએ તો લગભગ 30 લાખ જેટલો માલ લઈને આ લૂટેરી દુલ્હનો ભાગી છે. અત્યાર સુધીમાં ચાર એફઆઈઆર થઈ છે. દલાલ મુકેશ ગુપ્તાને પોલીસ ટ્રેસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજની મદદ લેવાઈ રહી છે અને પોલીસે એક ટીમ બિહાર પણ રવાના કરી છે.
અલીગઢ એકલામાં આ પ્રકારના 20 જેટલા મામલા તો પોલીસ ચોપડે એક જ વર્ષમાં નોંધાયા છે.
આ ઘટના દેશમાં યુવતીઓની ઓછી સંખ્યા અને લગ્ન માટે કરવા પડતા પ્રયત્નોને પણ ઉજાગર કરે છે. આ સાથે પોલીસે યુવકના પરિવારોને એજન્ટની વાતોમાં ન આવી છોકરી કે છોકરા વિશે યોગ્ય તપાસ કરી પછીથી જ સંબંધ બાંધવા અપીલ કરી છે.
આપણ વાંચો: દેશની ૧,૦૪,૧૨૫ શાળાઓમાં એક જ શિક્ષક! શિક્ષણ મંત્રાલયના આંકડાઓએ ખોલી સરકારની પોલ…