નેશનલ

મિગ્જોમ વાવાઝોડાને પગલે ૧૨નાં મોત

આંધ્ર પ્રદેશ-તમિળનાડુમાં ત્રણ કલાક કેર વરસાવ્યો

બચાવ કામગીરી: તમિળનાડુના ચેન્નઈ જિલ્લામાં મંગળવારે વાવાઝોડાં અને ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતા. પાણી ભરાયેલાં રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો. ચેન્નઈસ્થિત કોલોનીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહેલા ભારતીય નૌકાદળના જવાનો તો કાંચીપુરમમાં પણ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં બાદ એનડીઆરએફના જવાનોએ રહેવાસીઓને ઉગારી લેવા કામગીરી આરંભી હતી. (એજન્સી)

ચેન્નઈ: વાવાઝોડું ત્રાટકવાને પગલે આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાં મંગળવારે હાઈ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો હતો. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન આ બંને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો.

ચેન્નઈ તેમ જ તેની આસપાસના વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૨ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ૧૧ જણ ઘાયલ થયા હતા.

શહેરના બસંત નગર વિસ્તારમાં વીજળી પડવાને કારણે બે જણનું તો ઝાડ તૂટી પડવાને કારણે એક જણનું મૃત્યુ થયું હતું.

ભારે વરસાદને પગલે રસ્તા પર પાણીનું વહેણ એટલું તીવ્ર બની ગયું હતું કે અનેક કાર તેમાં તણાઈ ગઈ હતી. ભારે વરસાદને પગલે વિમાનમથક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

અગાઉ, વાવાઝોડાંની અસરનો સામનો કરવામાં તમિળનાડુની એમ. કે. સ્ટાલિન સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ અન્નાદ્રમુકે મંગળવારે કર્યો હતો. મંગળવારે બપોરે ૧૨:૩૦થી ૨:૩૦ દરમિયાન વાવાઝોડું આંધ્ર પ્રદેશના બાપટિયા જિલ્લાના કિનારા વિસ્તારની નજીક હતું અને પવનની ઝડપ પ્રતિકલાક ૯૦થી ૧૦૦ કિ.મી. જેટલી હતી, એમ અમરાવતી હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું હતું. ચેન્નઈ તેમ જ તેની આસપાસના વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં એક ડઝન કરતાં પણ વધુ જણ મૃત્યુ પામ્યાં છે. ફસાયેલા લોકોને ઉગારી લેવા ફિશિંગ બૉટ અને ટ્રેક્ટરો
કામે લગાડવામાં આવ્યાં છે.

ચેન્ નઈમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઈજા પામેલા ૧૧ જણને વિવિધ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી માટે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ કાર્યરત છે.

મંગળવાર સવારથી ચેન્ નઈના મોટાભાગના વિસ્તારમાં વરસાદનું જોર ઘટી જતાં અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યુઁ હતું.

યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કહ્યું હતું.

ચેન્ નઈ સહિત અસરગ્રસ્ત નવ જિલ્લામાં ૬૧,૬૬૬ રાહત છાવણી ઊભી કરવામાં આવી છે તેમ જ ૧૧ લાખ ફૂડ પૅકેટ અને એક લાખ દૂધના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે.

તબક્કાવાર વીજપુરવઠો ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં અન્નાદ્રમુક સત્તા પર હતો તે સમયે પૂરની પરિસ્થિતિને જે રીતે હાથ ધરવામાં આવી હતી હાલ તેનાં કરતાં વધુ સારી રીતે કામગીરી બજાવવામાં આવી રહી હોવાનું સ્ટાલિને કહ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button