મેક્સિકોમાં હોલિડે પાર્ટીમાં થયેલા ફાયરિંગમાં ૧૧નાં મોત
મેક્સિકો સિટી : મધ્ય મેક્સિકોમાં રવિવારે કતલેઆમ થઈ હતી અને આમાંથી બચી ગયેલા લોકોએ કહ્યું હતું કે લોકોના એક જૂથને હોલિડે પાર્ટીમાં જાકારો અપાયો હતો અને આ જૂથે બંદૂકધારી સાથે પાછા આવીને ૧૧ જણને મારી નાખ્યા હતા અને ૧૪ જણને ઘાયલ કર્યા હતા. ગુઆનજુઆટોના સ્ટેટ પ્રોસિક્યુટર નેવિદો ઓગસ્ટિન ગેલાર્ડો રોમેરોએ માહિતી આપી હતી કે આ કતલેઆમમાં નવ પુરુષ અને બે મહિલાની હત્યા થઈ હતી. પ્રોઝિક્યુટરે ભોગ બનેલાનો આંકડો ૧૨થી ૧૧નો કર્યો હતો. હોસ્પિટલમાં બીજા એક કેસના વિક્ટિમ અંગે ગૂંચવાડો હોવાથી અગાઉ ૧૨નો આંકડો અપાયો હતો. સત્તાવાળાઓેએ કહ્યું હતું કે ઘટનાસ્થળેથી સાત અલગ ગનની ગોળીઓ મળી હતી. તપાસકારો આ એરિયામાં કાર્યરત એક ગ્રૂપને શોધી
રહ્યા છે. સાલ્વાટિએરામાં એક પાર્ટી દરમ્યાન થયેલા ફાયરિંગે લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. કુટુંબો અમુક ભોગ બનેલાઓની શબપેટી સાથે અંતિમવિધિ માટે ગલીઓમાંથી નીકળ્યા હતા.
ગુઆનજુઆટા જેલિસ્કો કાર્ટેલ અને સિનોલા કાર્ટેલ સમર્થિત સ્થાનિક ગેંગ વચ્ચે ગેંગવૉરનું સાક્ષી રહ્યું છે. આ રાજ્યમાં સૌથી વધારે નરસંહાર થયા છે.
સોમવારે મેક્સિકોના પ્રમુખ એન્ડ્રીસ મેન્યુલ લોપેઝે ઓબ્રેડોરે રાજ્યના પ્રોઝિક્યુટને રાજીનામું આપવાની સૂચના આપી હતી. (એજન્સી)