મેક્સિકોમાં સશસ્ત્ર અથડામણમાં ૧૧નાં મોત
મેક્સિકો સિટી : મધ્ય મેક્સિકોના ટેક્સકાલ્ટિટ્લાનમાં ક્રિમિનલ ગૅંન્ગ અને ખેડૂત ગ્રામવાસીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૧૧ જણનાં મૃત્યુ થયા હતા. સોશિયલ મીડિયા પર મુકાયેલા અથડામણના નાટ્યાત્મક વીડિયોમાં કાઉબોય હેટ પહેરનાર ગ્રામવાસીઓ દાતરડા અને શિકાર કરવાની રાઈફલ હાથમાં રાખીને ટોળકીના ગુંડાઓનો પીછો કરી રહ્યા છે અને આ દરમ્યાન ઓટોમેટિક ગનફાયરનો અવાજ સંભળાય છે.
પોલીસે કહ્યું હતું કે અથડામણ મેક્સિકોની રાજધાનીથી ૧૩૦ કિલોમીટર અગ્નિમાં આવેલા ટેક્સકાલ્ટિટ્લાન ગામમાં થઈ હતી. રાજ્ય પોલીસે કહ્યું હતું કે મૃતકોમાં આઠ ગુંડાઓ અને ત્રણ ગ્રામવાસી છે. પોલીસે ટોળકીનું નામ જણાવ્યું નથી, પરંતુ દાયકાથી એ વિસ્તારમાં હિંસક
ફેમિલિયા મિચોઆકાના ડ્રગ કાર્ટેલનું પ્રભુત્વ છે. વીડિયોમાં દેખાય છે કે હુમલાખોરોએ લશ્ક્રનો ગણવેશ પહેર્યો છે. અમુક લોકોએ હેલ્મેટ પહેરી છે. ગ્રામવાસીઓએ તેમના મૃતદેહો અને વાહનોને આગ ચાંપી હતી.
સ્થાનિક મીડિયાએ કહ્યું હતું કે આ ટોળકીના બંદૂકધારીઓએ અગાઉ ગામમાં આવીને સ્થાનિક ખેડૂતોને પ્રતિ એકર ખંડણી ફી માગી હતી. સત્તાવાળાઓેએ તત્કાળ આના પર ટિપ્પણી કરી નહોતી.
ડ્રગ કાર્ટેલ મેક્સિકોમાં કાયદેસર કે ગેરકાયદે બિઝનેસમાંથી ખંડણી લે છે અને જે ન આપે તેના ખેતરો કે દુકાનોમાં આગ લગાડી દે છે.
ફેમિલિયા મિચોઆકાના પોલીસ સાથેની અથડામણ માટે તેમ જ ૨૦૨૨ની ગુએરેરો રાજ્ય ટોટોલાપાન નગરમાં ૨૦ જણની કતલેઆમ માટે કુખ્યાત છે. આ કતલેઆમમાં નગરના મેયર, તેમના પિતા અને બીજા ૧૮ જણની હત્યા કરાઈ હતી. (એજન્સી)