ગુજરાતમાં ૨૪ કલાકમાં હાર્ટએટેકથી ૧૧નાં મોત
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ લોકોએ હાર્ટ એટેકના લીધે જીવ ગુમાવ્યા હતા. જો કે, આ નવમાંથી પાંચ યુવકોના ગરબા રમતાં-રમતાં મોત થયા હતા. રાજ્યમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા અને દ્વારકામાં હાર્ટએટેક આવવાના કિસ્સામાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં
છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ લોકોનાં હૃદય બંધ પડી ગયાં હતાં. સુરત શહેરમાં સતત બીજા દિવસે બે યુવાનોના હાર્ટએટેકના કારણે મોત નિપજ્યાં હતાં. ખેડાના કપડવંજમાં નવરાત્રિના છઠ્ઠા નોરતે વીર શાહ (ઉ.વ.૧૭) નામના કિશોરને ગરબા રમતા હાર્ટએટેકથી મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો હતો. ડભોઇમાં વૈભવ સોની (ઉ.વ.૧૩) નામના બાળકને ઊલટી થયા બાદ હાર્ટ બંધ થયું હતું. વૈભવ ધોરણ ૬મા અભ્યાસ કરતો હતો. તે બે દિવસ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમ્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આશુકુમાર સોનકાર (ઉં.વ.૨૮) નામના યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું ભાદર ૨ ડેમના પાટિયામાં સમારકામ કરતાં હતા તે દરમિયાન હાર્ટએટેકથી મોત થયું હતું.
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા જયેશ ઝાલાવડિયાને તેમના ઘરમાં જ હાર્ટએટેક આવ્યો હતો. અમદાવાદના વટવામાં રહેતો રવિ પંચાલ હાથીજણમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો. તે દરમિયાન રવિ પંચાલને અચાનક છાતીમાં દુખાવો થતાં એમ્બ્યુલન્સમાં લઈ જાય તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. નવસારી જિલ્લામાં ગરબા રમીને આવ્યા બાદ વિજલપોરના મૃણાલ શુક્લાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હ્રદયરોગના હુમલાના કારણે બેના મોત થયાં હતાં. જામ ખંભાળીયાના મોટા આંબલા ગામના અમિતભાઇ સંઘાર (ઉં.વ.૩૧) નામના યુવાનનું હાર્ટએટેક આવતા મોત નિપજ્યું હતું. તો જામ ખંભાળીયાના રામનગર વિસ્તારમાં રહેતા રવજી નામના પ્રૌઢને હાર્ટએટેક આવતા મોત નિપજ્યું હતું.