ગુજરાતમાં છ મહિનામાં હૃદયરોગથી ૧,૦૫૨ મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં કુલ ૧,૦૫૨ લોકો હૃદયરોગથી મૃત્યુ પામ્યા છે, જેમાં ૮૦ ટકા મૃતકો ૧૧-૨૫ વર્ષની વયના છે એમ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે જણાવ્યું હતું.
કુબેર ડીંડોરે વધુમાં જણાવ્યું હતું કે હૃદયરોગના હુમલાની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લગભગ બે લાખ શાળાના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરોને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (સીપીઆર) કરવા માટે તાલીમ આપવામાં આવશે, જે આવી તબીબી કટોકટી દરમિયાન જીવન બચાવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ ઉપાય છે. અમે છેલ્લા છ કે સાત મહિનામાં ક્રિકેટ રમતી વખતે કે ગરબામાં ભાગ લેતી વખતે લોકોના મૃત્યુ (હૃદયરોગને કારણે) થતા જોયા છે. હું શિક્ષકોને આ સીપીઆર તાલીમ શિબિરમાં ભાગ લેવા વિનંતી કરું છું કે જેથી તેઓ કોઇનું જીવન બચાવી શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગની આ પહેલ હેઠળ લગભગ બે લાખ શાળા અને કોલેજના શિક્ષકોને તાલીમ આપવા માટે તા.૩ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન ૩૭ મેડિકલ કોલેજોમાં સીપીઆર તાલીમ શિબિરો યોજવામાં આવશે. આ તાલીમ શિબિરોમાં લગભગ ૨,૫૦૦ તબીબી નિષ્ણાતો અને ડૉકટરો ઉપસ્થિત રહેશે અને સહભાગીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પોલીસ કર્મચારીઓને અગાઉ આવી તાલીમ આપવામાં આવી હતી.