આવી રહી છે 1000 રૂપિયાની પાછી નોટ, આવી મહત્ત્વની માહિતી…
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે 2000 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની માહિતી આપી હતી અને હવે એ જ અનુસંધાનમાં એક બીજી મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ મહત્ત્વની માહિતી 1000 રૂપિયાની નોટ સંબંધિત છે.
આરબીઆઈના ગવર્નર દ્વારા ગઈકાલે 2000 રૂપિયાની નોટને લઈને જણાવવામાં આવ્યું હતું કે 87 ટકા નોટ પાછી આવી ગઈ છે અને 10,000 કરોડની કિંમતની નોટ હજી પણ બજારમાં છે. પરંતુ આરબીઆઈના અપડેટ બાદ સોશિયલ મીડિયા પર એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે કે શું 2000ની નોટને બદલે 1000 રૂપિયાની નવી નોટ પાછી ચલણમાં મૂકવામાં આવશે?
આરબીઆઈ દ્વારા લોકોના મનમાં આવેલી આ શંકાનો નિવેડો લાવતા જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા 1000 રૂપિયાની નોટ લાવવાની કોઈ યોજના નથી અને ન તો 1000 રૂપિયાની નવી નોટ લાવવા અંગે વિચારી રહ્યું છે. એએનઆઈ દ્વારા એક્સ પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે 1000 રૂપિયાની નોટ પાછી લાવવાનું કોઈ પ્લાનિંગ નથી.
આરબીઆઈ દ્વારા પોતાના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે માર્કેટમાં કેશ ફ્લો બનાવી રાખવા માટે સરકારે 500 રૂપિયાની પૂરતી નોટ છાપી રાખી છે, જેથી લોકોને કેશ સંબંધિત મુશ્કેલી ના પડે. બીજી બાજું ડિજિટલ પેમેન્ટના ઉપયોગથી લોકો વચ્ચે કેશની જરૂરિયાત ઘટી ગઈ છે. આવી પરિસ્થિતિમાં આરબીઆઈનું એવું જણાવ્યું હતું કે 1000 રૂપિયાની નોટ લાવવાની કોઈ આવશ્યક્તા જ નથી અને લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2016માં નોટબંધી કરીને 1000 રૂપિયા અને 500 રૂપિયાની નોટ પાછી ખેંચી લીધી હતી. ત્યાર બાદ 500 રૂપિયા અને 2000 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. પરંતુ હવે આરબીઆઈ દ્વારા આ 2000 રૂપિયાની નવી ચલણી નોટ પણ ખેંચવાની જાહેરાત કરી હતી.