અમદાવાદ-મુંબઇ બુલેટ ટે્રન પ્રોજેક્ટ માટે 100 ટકા જમીન સંપાદન પૂર્ણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુંબઇ- અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર(બુલેટ ટે્રન)ના પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું 100 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. ગયા વર્ષે અનેકવિધ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યાં હતાં અને આ વર્ષની શરૂઆતથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં બુલેટ ટે્રનનું કામ ઝડપથી થઇ રહ્યું છે. ગુજરાતમાં બુલેટ ટે્રન પ્રોજેક્ટ માટે કુલ 352 કિ.મી. વાયડક્ટ, 343 કિ.મી. પાઇલ, 294.5 કિ.મી. ફાઉન્ડેશન, 271 કિ.મી. પિયર(સ્ટેશનો સહિત), 268.5 કિ.મી. પિયર(સ્ટેશન સિવાયના), 152 કિ.મી. ગર્ડર કાસ્ટિંગ, 120.4 કિ.મી. વાયડક્ટ(ગર્ડર લોન્ચિંગ)નું કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નેશનલ અને સ્ટેટ હાઇવે, કેનાલ, રેલવે લાઇન પર 20 ક્રોસિંગ જેમાં 17 ગુજરાતમાં 11 મહારાષ્ટ્રમાં લોંગ સ્પેનની સ્ટીલ સ્ટ્રક્ચરથી બ્રિજ બનાવવામાં આવશે.
ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી આમ 8 એચએસઆર સ્ટેશનો પર નિર્માણ કાર્ય વિભિન્ન તબક્કામાં છે. આ તમામ 8 સ્ટેશનોમાં ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. વાપી સ્ટેશનમાં રેલ લેવલ સ્લેબ(200) મીટર પુરું થઇ ચૂક્યું છે. બિલીમોરા સ્ટેશનમાં 288 મીટર રેલ લેવલ સ્લેબનું કાસ્ટિંગ થઇ ચૂક્યું છે.
સુરત સ્ટેશનમાં કોનકોર્સ સ્લેબ અને રેલ લેવલ સ્લેબ (450 મીટર)નું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. પ્લેટફોર્મ લેવલ સ્લેબનું કાસ્ટિંગ શરૂ થઇ ગયું છે અને 557 મીટરનું કાસ્ટિંગ થઇ ચૂક્યું છે. અમદાવાદ સ્ટેશન પર કોનકોર્સ સ્લેબ (435 મીટર) કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. સુરત ડેપોનું ફાઉન્ડેશન અને સુપર સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. સાબરમતી ડેપોમાં ખોદકામનું કામ પૂર્ણ થયું છે અને ઓએચઇ ફાઉન્ડેશન કામ પ્રગતિમાં છે.
મુંબઇ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પરિયોજના અંતર્ગત ગુજરાત અને મહારાષ્ટ્રમાં તમામ સિવિલ કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યા છે. 120.4 કિ.મી.ના ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા છે અને 271 કિ.મી. પિયર કાસ્ટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત, દાદરાનાગર હવેલી અને મહારાષ્ટ્રમાં 100 ટકા જમીન સંપાદન કરવામાં આવી છે.
ગુજરાતમાં વલસાડમાં જારોલી ગામ પાસે 350 મીટર લાંબી અને 12.6 મીટર વ્યાસની પહેલી માઉન્ટેન ટનલ બનાવવામાં આવી છે. આ ટનલ નિર્માણનું કાર્ય માત્ર 10 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરતમાં નેશનલ હાઇવે 53 પર 70 મીટર લાંબો અને 673 મેટ્રિક ટન વજનનો પહેલો સ્ટીલનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આવા 28માંથી 16 બ્રિજનું નિર્માણ અલગ-અલગ તબક્કે ચાલી રહ્યું છે. મુંબઇ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (એમએએચએસઆર)માં કુલ 24 નદીઓમાં બ્રિજ બનાવવામાં આવનારા છે. જેમાંથી 6 નદીઓ પર બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લામાં પાર નદી, નવસારી જિલ્લામાં પૂર્ણા, મિંઘોલા અને અંબિકા નદી તથા વલસાડમાં ઓરંગા અને નવસારીમાં વેંગનિયા નદી પર બ્રિજ બનાવવામાં આવ્યા છે. અન્ય નદીઓ નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદી પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
મુંબઇ-અમદાવાદ હાઈ સ્પીડ રેક રોકિડોર ટે્રક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રિટ (આરસી) ટે્રક બેડ લગાવવાનું કામ સુરત અને આણંદમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટે્રક સિસ્ટમનો ઉપયોગ જાપાનીઝ શિંકાનસેનમાં કરવામાં આવે છે. નોંધનીય છેકે, જે-સ્લેબ બેલાસ્ટલેસ ટે્રક સિસ્ટમનો ઉપયોગ ભારતમાં પહેલીવાર કરવામાં આવી રહ્યો છે. ટે્રન સંચાલન દરમિયાન થનારા અવાજને ઓછો કરવા માટે વાયડક્ટની બન્ને બાજુ નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવી રહ્યાં છે. ભારતની પ્રથમ 7 કિ.મી. લાંબી સમુદ્રની અંદર બનનારી રેલ ટનલનું કામ શરૂ થઇ ચૂક્યું છે જે મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિ.મી. લાંબી ટનલનો એક ભાગ છે. મહારાષ્ટ્રમાં એચએસઆર સ્ટેશનનું ક્નસ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે.